મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ લોકડાઉનમાં ઘણા ધંધા-રોજગાર બંધ છે. જોકે ગત રોજ ગુજરાત સરકારે લોકડાઉન 4માં કેટલીક છૂટછાટ અંગે જાહેરાતો કરી છે. પરંતુ હાલ ધંધા રોજગારના ઘણા ગણિતો ખોટા પડી રહ્યા હોય તેવું લોકોમાં ચર્ચાય છે. હાલમાં માલની અછત, કાલા કારોબારને લઈને ઉંચી કિંમતો, બલ્ક બાઈંગનો ભય, મેન પાવરની અછત વગેરે જેવા ઘણા મુદ્દાઓ ધંધાઓને અસર પહોંચાડી રહ્યા છે. આવા સંજોગોમાં રાજકોટમાં એક કારખાનેદારે પોતાના કારખાનાની ઉપરના ભાગે આવેલા મજુરની ઓરડીમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

કારખાનેદારની આત્મહત્યાએ ભારે ચકચાર મચાવી દીધી છે. આ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે. ધંધો લોકડાઉન ખુલ્યા પછી નહીં જામી શકે, વિવિધ લોનોની ભરપાઈ કેવી રીતે કરી શકાશે, ખર્ચાઓને કારણે તેઓ ચિંતામાં હોવાથી તેમણે આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રારંભીક તપાસમાં કારણ સામે આવ્યું છે. જોકે નક્કર કારણ શું છે તે પોલીસની વધુ તપાસ બાદ જ સામે આવશે.

વાવડી રોડ પરની ઉદ્ગમ સ્કૂલ પાસે આવેલી ગ્રીન આદર્શ સોસા.માં રહેતા અશોકભાઈ ભંડેરી કોઠારિયામાં કનૈયા પ્લાસ્ટીક નામનું કારખાનું ધરાવે છે. તેઓએ આ કારખાનામાં ઉપરના ભાગે આવેલા મજુર માટેના રૂમમાં ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની વધુ તપાસ આજીડેમ પોલીસ મથકના સ્ટાફ દ્વારા ચલાવાઈ રહી છે.

હાલ પોલીસની પ્રારંભિક તપાસમાં આજથી લોકડાઉન ખુલતાં અશોકભાઇ અને તેના મોટા ભાઇ ઉમેશભાઇ સવારે ઘરેથી સાથે નીકળ્યા હતાં અને કારખાને પહોંચ્યા હતાં. અશોકભાઇ અને ઉમેશભાઇના કારખાના સામ-સામે જ છે. અહીં પહોંચ્યા પછી અશોકભાઇ સામેના કારખાનામાં બાચકાને સિલાઇ કરવા જાય છે તેમ કહીને ગયા હતાં. મજૂરો વતન જતાં રહ્યા હોઇ તેથી તે એકલા જ ત્યાં ગયા હતાં. થોડા કલાક પછી મોટા ભાઇને તેને ફોન જોડતાં અને વારંવાર ફોનનો રિપ્લાય ન થતાં તે ત્યાં તપાસ કરવા જતાં અશોકભાઇ ઉપરની મજૂરની રૂમમાં આપઘાત કરેલી હાલતમાં જોવા મળ્યા હતા. તેમણે બે કારખાના અને પોતે જ્યાં રહે છે એ મકાન એમ ત્રણેય મિલ્કતો લોનથી લીધી હતી.

લૉકડાઉન શરૂ થયુ ત્યારથી અશોકભાઇ હવે લોન કઇ રીતે ભરશું? લોકડાઉન ખુલશે પછી પણ ધંધો નહીં જામે તો? એ સહિતના સવાલો ઉઠાવી ચિંતા કરતાં હતાં. જોકે આજે જ્યારે કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન 4માં ઘણું બધું ખુલી ગયું છે તેમ છતાં તેમની આ ચિંતાઓ ઓછી ન થઈ અને આ ચિંતાએ ગંભીર સ્વરૂપ લીધું હતું. પોલીસ હજુ આ મામલાની વધુ તપાસ હાથ ધરી રહી છે.