મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : કેબીનેટમંત્રી કુંવરજીભાઇ બાવળીયાના મત વિસ્તાર જસદણ-વિંછીયામાં ભાજપને મળેલી કારમી હારનો વિવાદ સપાટી ઉપર આવ્યો છે. જેમાં ભાજપ નેતાઓએ હારનો ટોપલો એકબીજા પર ઢોળવાનું શરુ કર્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રાતોરાત મંત્રી પદ મેળવનાર કુંવરજીભાઇ બાવળીયાના ગઢ ગણાતા જસદણ અને વિંછીયાની તાલુકા પંચાયતોમાં કોંગ્રેસને બહુમતી મળી છે. તેમજ જસદણ-વિંછીયા પંથકમાં આવતી રાજકોટ જિલ્લા પંચાયતની આઠમાંથી પાંચ બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થતા બાવળીયા સામે ભાજપમાં જ સવાલો ઉભા થવા લાગ્યા છે.

સમગ્ર મામલે કમળાપુર બેઠક પરથી ચૂંટણી હારેલા ભાજપના ઉમેદવાર રામ સાકળીયાએ પોતાને હરાવવા માટે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા અને જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખ રામાણીનું કાવતરું હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગે તેમણે એક પત્ર પણ લખ્યો છે. જેમાં જણાવ્યા મુજબ કમળાપુરના બૂથમાં કોંગ્રેસને કયારેય લીડ મળી નથી. પરંતુ ગત ચૂંટણીમાં ત્યાં કોંગ્રેસને લીડ મળી છે. બૂથવાઈઝ જોવો એટલે કાવત્રુ ખુલ્લુ પડી જશે. 


 

 

 

 

 

વધુમાં રામભાઇ સાકળીયાએ કહ્યું છે કે, ભાજપને જ હરાવવામાં અને તાલુકા પંચાયતના ઉમેદવારને જીત અપાવવામાં ડો. બોઘરા અને રામાણીની જ ભૂમિકા છે. છેલ્લી રાત્રે તેમણે મને કહ્યું હતું કે, જયાં દોડવું હોય ત્યાં દોડજો. ધીરુભાઇ રામાણીના બદલે બાવાળીયાએ મને ટિકીટ અપાવતા બંને આગેવાનોએ માથે રહી મને હરાવ્યો છે. 

બીજીતરફ ભાજપના મહામંત્રી મનસુખ રામાણીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, જસદણ અને વિંછીયા તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની આટકોટ અને સાણથલી બેઠકની જ જવાબદારી મારી અને ડો. બોઘરાની હતી. જયારે બાકીની છ બેઠક જીતાડવાની જવાબદારી કુંવરજી બાવળીયાને સોંપાઈ હતી. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની જ આ સ્પષ્ટ ગાઈડ લાઈન હતી. આવી સ્થિતિમાં અન્ય બેઠકો હારે તેમાં અમારી સામે આક્ષેપો થાય છે તે તદન ખોટા છે.