મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરમાં ગુનેગારોમાં જાણે પોલીસનો કોઈ ભય જ ન હોય તેવો માહોલ સર્જાયો છે. શહેરમાં લૂંટ-મર્ડર જેવી ઘટનાને અંજામ આપતા ગુનેગારો જરા પણ ખચકાતા નથી. તાજેતરમાં ધોળે દિવસે NSUI ના મહામંત્રીની નજીવી બાબતે ધોળે દિવસે હત્યા કરાઈ હતી. ત્યારે ગતરાત્રે શહેરના ભૂતખાના ચોકમાં બે શખ્સો છરીની અણીએ વેપારી પાસેથી રૂ. 2 હજારની કિંમતના જાકીટની લૂંટ ચલાવી નાસી છૂટતા CCTVમાં કેદ થઈ જતા ફફડાટ ફેલાયો હતો. આ ગુંડાઓ દ્વારા વધુ એકવાર પોલીસની આબરૂ સરેઆમ લૂંટી લેવામાં આવી હતી.
શહેરના ગાંધીગ્રામમાં રહેતા અને ભૂતખાના ચોકમાં ગરમ કપડાંનો વેપાર કરતા રમેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર સોમવારે રાત્રે 9 વાગ્યા આસપાસ વેપાર કરતા હતા. ત્યારે બાઇક પર બે શખ્સો ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. એક જાકીટ પસંદ કરી, જાકીટ લઇ બંનેએ ચાલતી પકડી હતી. વેપારીએ પૈસાની માંગ કરતા આ પૈકીના એક શખ્સે ધારદાર છરો કાઢી જાહેરમાં આતંક મચાવ્યો હતો. વેપારી પાસેથી જાકીટ પડાવનાર આ બંને ગુંડાઓ ખુલ્લી છરીએ ત્યાંથી નીકળી ગયા હતા.
આટલું ઓછું હોય તેમ બંને શખ્સો નજીકમાં આવેલા રાજ પેટ્રોલપંપ ખાતે પણ પહોંચ્યા હતા. જ્યાં જાહેરમાં છરો બતાવી ગાળાગાળી કરી હતી. તેમજ ત્યાં ઉપસ્થિત તમામ લોકોને ધમકાવ્યા હતા. અને નાસી છૂટ્યા હતા. લૂંટારૂઓ નાસી છૂટ્યા બાદ લોકો ટોળે વળ્યાં હતા અને પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ વ્યકત કર્યો હતો. ત્યારે CCTV માં કેદ થયેલી આ ઘટનાના આરોપીઓ સુધી  પોલીસ ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું.