મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરનાં રૈયારોડ નજીક મોબાઇલની દુકાન ધરાવતા વેપારી ઉપર વર્ષ 2014માં મોબાઇલ ખરીદી મુદ્દે તકરાર થઈ હતી. જેમાં કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર અને તેના ત્રણ સાગરીતે પિસ્ટલમાંથી પાંચ રાઉન્ડ ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે 6 વર્ષથી ફરાર આરોપી તેના વતન ભેંસાણનાં ગળત ગામમાં હોવાની માહિતી ગાંધીગ્રામ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે જૂનાગઢ પોલીસની મદદથી ફરાર આરોપીને ઝડપી પાડીને કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, કિસાનપરામાં રહેતા અને રૈયારોડ પર સદગુરુ તીર્થધામ કોમ્પલેક્સમાં બંટી મોબાઇલ નામની દુકાન ધરાવતા વિજય પ્રવિણભાઇ મકવાણા 17 ડિસેમ્બર 2014ની સાંજે દુકાને હતા. આ સમયે ગ્રાહક તરીકે આવેલા સોનુ ડાંગર અને તેના સાગરીતોએ ઝગડો કર્યો હતો. બાદમાં પિસ્ટલમાંથી પાંચ રાઉન્ડ ફાયરીંગ કરીને હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આ અંગેની ફરિયાદ ભોગ બનનાર વેપારી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.


 

 

 

 

 

આ ફાયરીંગના બનાવમાં સોનુ ડાંગર સાથે અન્ય ત્રણ અજાણ્યા શખસ હતા. તેમના નામ ભૂપત ઉર્ફે બાબુ જીલુભાઇ બસીયા, ચૈતન્ય ગીરીશભાઇ ચૌહાણ અને મયંક મહેન્દ્રભાઇ ખજૂરીયા હોવાનું ખુલ્યું હતું. જે પૈકી મંયક ખજૂરીયાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સોનુ ડાંગર તેમજ ચૈતન્યએ હાઇકોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવી લીધો હતો. પરંતુ ચોથો આરોપી ભૂપત ઉર્ફે બાબુ બસીયા ગુનો નોંધાયો ત્યારથી ફરાર હોઈ તેની શોધખોળ ચાલી રહી હતી. 

દરમિયાન ફરાર આરોપી ભેંસાણનો હોઈ જૂનાગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભેસાણના પીએસઆઇ એ.ડી.વાળા સહિતના સ્ટાફની તપાસમાં ફરાર આરોપી તેના વતન ભેંસાણનાં ગળત ગામે આવ્યો હોવાની માહિતી મળી હતી. જેને પગલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીસી જે.જી.રાણા તેમની ટીમ સાથે ગળત ગામ પહોંચ્યા હતા. અને જૂનાગઢ પોલીસને સાથે રાખી આરોપી ભૂપતને દબોચી લઈ રાજકોટ લાવવામાં આવ્યો છે.