મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ ગત રાત્રીથી જ રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં ચાલતી દારૂ પાર્ટીને પગલે ભારે હાઈ પ્રોફાઈલ ડ્રામા ચાલ્યો છે. એસઓજીના નિવૃત્ત અધિકારી રાજભા વાઘેલાની બર્થડે પાર્ટીમાં પોલીસ કર્મીઓ અને કેટલાક નેતાઓ પીધેલા હોવાની માહિતી બહાર આવી હતી. જોકે આ અંગે પોલીસે ત્યાં રેડ કરી અને મીડિયાને જ્યારે ગેટ પર જ રોકી લીધું ત્યારે જ કાંઈક રંધાઈ રહ્યા હોવાની ગંધ આવી જતી હતી. પોલીસે આ બનાવમાં શંકાસ્પદોની અટકાયત કરી તેમના મેડિકલ ટેક્ટ કરાવ્યા હતા.
પોલીસના દરોડામાં ફસાઈ ન જવાય તેથી કેટલાક તો વોટર પાર્કની દીવાલ કુદી ગયા હતા. એક એસઆરપી ક્લાર્કે મીડિયા સમક્ષ પોતે છગન મકવાણા હોવાનું કહી પોતાની ઓળખ મીડિયા સામે છૂપાવી હતી. એસપી એસ આર ટંડેલે કહ્યું કે, 30 જેટલા લોકો અહીં હાજર હતા જેમાંથી 10 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા છે. આ 10 પૈકી 5 વ્યક્તિ દારૂની પરમીટ ધરાવે છે બીજા 5 પાસે પરમીટ નથી અને તેઓ સામાન્ય વ્યક્તિ જ હતા. પોલીસે તેમની સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તેમણે કહ્યું કે એક પણ પોલીસ કર્મી પીધેલા નથી.
રાજભાએ કહ્યું કે, આજે મારો બર્થડે હતો તેથી મિત્રો અને પરિજનો જમવા માટે આવ્યા હતા. અહીં આવેલા પૈકી કોઈ બહારથી દારૂ પીને આવ્યા હશે. પરમીટ વાળા પણ છે. કોઈએ મીડિયા અને પોલીસને ખોટી માહિતી આપી છે કે અહીં દારૂ પાર્ટી ચાલે છે. અહીં કોઈ દારૂ પાર્ટી ન હતી.
પોલીસની આ કામગીરીમાં ભીનું સંકેલાઈ ગયું હોવાની ચર્ચાઓ ઉઠી છે. જોકે શક્યતાઓએવી પણ છે કે પરમીટ ધારકો પહેલેથી જ દારૂ પીને અહીં શામેલ થયા હોય તો પછી બાકીના અન્યોએ ક્યાં પાર્ટી કરી તે પ્રશ્ન છે. ઉલ્લેખનીય છે કે, આ વોટર પાર્ક રાજકીય અગ્રણી હરિભાઈ પટેલનો છે.