પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): 1928માં અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા કેશુભાઈનો ઝુકાવ કિશોરાવસ્થાથી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ RSS તરફ હતો. પ્રાથમિક શાળા સુધીનું જ શિક્ષણ મેળવનાર કેશુભાઈ પટેલ સંઘના ગણવેશમાં સાયકલ અને લાઠી લઈ રોજ રાજકોટના બજારમાંથી શાખામાં જવા નિકળતા હતા. થોડા દિવસમાં કેશુભાઈના ધ્યાનમાં આવ્યું કે રાજકોટના બજારમાં લીલીયા દાદા નામનો એક ગુંડો વેપારીઓને પરેશાન કરી હપ્તા ઉઘરાવી રહ્યો છે.

એક દિવસ કેશુભાઈએ વેપારીઓને પરેશાન કરી રહેલા લીલીયા દાદાને ભર બજારમાં પડકાર્યો હતો. આખું રાજકોટ જે ગુંડાના નામથી ફફડતું હતું. તે ગુંડાને સંઘના એક સ્વયંસેવકે જાહેરમાં પડકાર્યો હતો. લીલીયાનું સ્વમાન ઘવાયું હતું અને ભર બજારમાં કેશુભાઈ અને લીલીયા દાદા સામ સામે આવી ગયા હતા. 

સંઘમાં લાઠીના દાવપેચ શીખેલા કેશુભાઈએ લીલીયા દાદાની એવી તો ધોલાઈ કરી કે લીલીયા દાદાને ત્યાંથી ભાગી જવું પડ્યું અને ફરી પાછો તે ક્યારેય દેખાયો પણ નહીં. આ ઘટના પછી બજારમાં રહેલા વેપારીઓએ કેશુભાઈને ખભે ઉચકી લીધા હતા. એક સામાન્ય ઘટના માનીને કેશુભાઈ આ ઘટનાને ભૂલી ગયા, પણ રાજકોટની પ્રજા આ ઘટનાને ભૂલી ન્હોતી.


 

 

 

 

 

થોડા મહિના પછી રાજકોટ નગરપાલિકાની ચૂંટણી આવી, રાજકોટના વેપારીઓ કેશુભાઈને મળવા તેમના ઘરે આવ્યા અને કહ્યું તમારે નગરપાલિકાની ચૂંટણી લડવાની છે. કેશુભાઈએ કહ્યું કે હું તો ખેડૂ માણસ, મને રાજકારણ ફાવે નહીં, પણ વેપારીઓએ તેમની જીદ્દ પકડી રાખી અને કેશુભાઈ જનસંઘમાંથી રાજકોટ નગરપાલિકામાં કોર્પોરેટરની ચૂંટણી લડ્યા. 

આ તેમના જીવનની પહેલી ચૂંટણી હતી અને તેમાં તેઓ જીત્યા પણ ખરા. રાજકારણમાં આવ્યા પછી પણ કેશુભાઈનો જીવ તો ખેડૂતનો જ હતો. રાજકારણને પૈસા કમાવવાનું સાધન બનાવવાને બદલે તેમણે મહેનત કરવાનું પસંદ કર્યું. મોરબીમાં મચ્છુ ડેમ બની રહ્યો હતો ત્યારે તેની સાઈટ ઉપર તેમણે અનાજ દળવાની ઘંટી નાખી. આ જ વખતે અકસ્માતમાં એક મજુરનું મોત થતાં કોન્ટ્રાક્ટર સાથે ઝઘડો કરી મજુરના પરિવારને વળતર પણ અપાવ્યું હતું.

આમ તેમના મનમાં ગરીબો અને વંચિતોની સતત ચિંતા રહેતી હતી. જોકે પોતે ખેડૂત હતા, ખેતી હતી અને તેમનું મન સતત તેમની ખેતીમાં પોરવાયેલું રહેતું. વાવણી પછી ખેતરમાં ખાતર નાખવાનો વખત આવે પણ ખિસ્સામાં રોકડા નહીં, પણ કેશુભાઈ અને તેમના ભાઈએ રસ્તો શોધી કાઢ્યો અને ખેતર પાસેથી પસાર થતી એક મોટી ગટરમાં બંને ભાઈઓ ઉતરી ગટરમાં રહેલો કાદવ કિચ્ચડ, મળ-મૂત્ર પોતાના ખેતરમાં ઠાલવતા હતા. 

કેશુભાઈના પત્ની લીલાબા પણ આવા જ સાલસ સ્વભાવના, 1975માં બાબુભાઈ જશુભાઈ પટેલની સરકાર બની જેમાં કેશુભાઈ પટેલ પહેલી વખત કૃષિમંત્રી બન્યા એટલે હવે રાજકોટ છોડી ગાંધીનગર રહેવા આવવાનું હતું. લીલાબાએ કહ્યું, તમારે જવું હોય તો જાઓ.. હું મારી ગાય છોડી ગાંધીનગર નહીં આવું.. લીલાબાને ગાંધીનગર લાવવા માટે કેશુભાઈને પોતાની ગાય પણ લાવવી પડી હતી અને મંત્રીના સરકારી બંગલામાં ગૌશાળા બનાવી હતી.


 

 

 

 

 

કેશુભાઈનું શિક્ષણ ઓછું, પણ કોઠા સુઝ ભારે, જનસંઘના કાળમાં ગામેગામ ફર્યા.. લોકોના પ્રશ્નો સમજ્યા. 1990માં જનતાદળ ગુજરાત અને ભાજપની સંયુક્ત સરકાર બની ત્યારે તેમાં તે નાયબ મુખ્યમંત્રી બન્યા. જોકે વિચારોના વિરોધાભાષને કારણે આ સરકાર લાંબી ચાલી નહીં. 1995માં કેશુભાઈ પટેલની આગેવાની હેઠળ ભાજપ ફરી ચૂંટણીના મેદાને આવ્યું અને ભાજપના ઈતિહાસમાં ન મળી હોય તેટલી બેઠકો સાથે કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા હતા.

જોકે રાજકારણના આંટાપાટા સમજવામાં કાચા ખેલાડી પોતાના સાથી મિત્ર શંકરસિંહની રમત સમજી શક્યા નહીં અને સાત જ મહિનામાં શંકરસિંહના બળવાને કારણે સરકારનું પતન થયું, પરંતુ 1998માં ગુજરાતની પ્રજાએ શંકરસિંહને જવાબ આપ્યો અને કેશુભાઈ બીજી વખત મુખ્યમંત્રી થયા. દેખાડો, પ્રચાર પ્રસારથી દુર રહેનાર કેશુભાઈ 2001માં આંતરીક ખટપટનો ભોગ બન્યા, જોકે 2001માં મુખ્યમંત્રી પદ્દ છોડ્યા પછી તેમણે ક્યારેય પોતાના અને વિરોધીઓ માટે એવા ઉચ્ચારણો કર્યા નહીં કે જેનો તેમને પાછળથી સંકોચ ઊભો થાય.

કેશુભાઈના નિધનથી ગુજરાતના રાજકારણના એવા યુગનો અંત આવ્યો છે જ્યાં શબ્દ અને ભરોસાની કિંમત હોય.