મેરાન્યૂઝન નેટવર્ક, રાજકોટ: જેતપુરમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી માંગવા મુદ્દે રાજકોટ એલસીબીએ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને સોમવારે હાજર થવા સમન્સ મોકલ્યું હતું. પરંતુ કાંધલ જાડેહા હાજર થયા ન હતા. જો કે કાંધલ જાડેજાએ એલસીબીને આ સમન્સનો ફેક્સ દ્વારા જવાબ આપ્યો હતો. જેમાં પોતે ગાંધીનગર હોવાથી હાજર ન રહી શક્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ આ મામલે પોતે સંપૂર્ણપણે નિર્દોષ હોવાનો ખુલાસો પણ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, જેતપુરમાં ખંડણી માંગવા અંગેના જુદા જુદા બે ગુના નોંધાયા બાદ આ મામલાની તપાસ રાજકોટ એલસીબીને સોંપવામાં આવી હતી. એલસીબીએ જેતપુરના શિવમપાર્કમાં રહેતા શૈલેષ વસંતરાય બાવાજી અને તેમના સાગરીતો કુતિયાણાના અશોક કાંતિ જોષી તથા પોરબંદરના રામદે જીવણ ગોરાણિયાને દબોચી ગુરુવાર સુધી રિમાન્ડ પર લીધા હતા. જો કે ખંડણી પ્રકરણમાં રામા ખૂટી સહિતના શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે. હવે જોવું રહ્યું કે આ મામલે શું વધુ કાર્યવાહી થાય છે. કાંધલ જાડેજાએ કુતિયાણાથી એનસીપીની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.