મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: કાગદડીના ખોડિયાર આશ્રમના મહંતના આપઘાતના નવ દિવસ બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે કે મહંત જયરામદાસનું મોત કુદરતી નહીં પણ આપઘાત કરવાના કારણે થયું હતું. તેમજ તેમણે આ પગલું તેમની વીડિયો ક્લિપ એક યુવતી સાથે ઉતારી તેમને બ્લેકમેલ કરવામાં આવ્યા બાદ ભર્યું હતું. આ વીડિયો ક્લિપ બનાવનાર  બીજી કોઇ નહીં પણ મહંતનો ભત્રીજો અને જમાઇ છે. તેમણે આ ક્લિપ બહાર જાહેર ન કરવા માટે  મહંત પાસેથી 20 લાખ રૂપિયા પડાવ્યા હતાં. પોલીસે આ મામલે 3 લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

મહંતની અગ્નિસંસ્કાર સહિતની વિધિ થઈ ગયા બાદ પોલીસને માહિતી મળી હતી કે મહંત જયરામદાસનું મૃત્યુ કુદરતી રીતે નહીં, પરંતુ જયરામદાસે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. મળેલી માહિતી પર કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ ચૂડાસમા સહિતના સ્ટાફે ગુપ્ત રીતે તપાસ શરૂ કરી હતી. આશ્રમમાંથી સુસાઇડ નોટ મળી આવી છે અને તેમાં જયરામદાસે તેના ભત્રીજા સહિતના શખસો દ્વારા કરવામાં આવતા બ્લેકમેઇલિંગને કારણે પગલું ભર્યાનો આક્ષેપ છે.

Advertisement


 

 

 

 

 

આશ્રમના ટ્રસ્ટી રામજીભાઇ જેશાભાઇ લીંબાસિયાએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે અલ્પેશ સોલંકી, હિતેષ જાદવ અને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા વિક્રમ દેવજી સોહલાના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, જયરામદાસ સત્તર વર્ષથી ઉપરોક્ત આશ્રમમાં રહેતા હતા અને આશ્રમના ટ્રસ્ટમાં તેના કૌટુંબિક ભત્રીજા અલ્પેશ અને તેના બનેવી હિતેષને ટ્રસ્ટી બનાવ્યા હતા. સાળા બનેવીએ મહંત પાસે યુવતીને મોકલી હતી અને જયરામદાસ તથા યુવતીનો વીડિયો શૂટ કરી લીધો હતો, વીડિયો ઉતાર્યા બાદ અલ્પેશ, હિતેશ અને તેનો મિત્ર વિક્રમ સોહલા જયરામદાસને વીડિયો જાહેર કરી બદનામ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા. બે વર્ષમાં 20 લાખ જેવી રકમ પડાવી લીધી હતી અને હવે આશ્રમ પર કબજો જમાવવા મહંત પર દબાણ કરતા હોય તેના ત્રાસથી કંટાળી મહંતે આપઘાત કરી લીધો હતો. 

ડીસીપીના જણાવ્યા અનુસાર જયરામદાસ બાપુને 31 મેના રાત્રિના સમયે ઉલ્ટી થઈ હતી. ત્યારબાદ ટ્રસ્ટી સહિતનાને જાણ કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓ, સેવકો અને ભાવિકો દર્શન માટે આવ્યા હતા. મહંતના અંતિમસંસ્કાર બાદ 2 દિવસ પછી સ્યુસાઇડ નોટ મળી આવી છે. ખરેખર આ સ્યુસાઇડ નોટ બાપુના હાથે લખેલી છે કે કેમ તે અંગે તપાસ થશે. મહિલા સાથે અપત્તિજનક વીડિયો મળી આવ્યો છે તે પોલીસને મળ્યો છે. સ્યુસાઈડ નોટમાં 30 તારીખે જયરામદાસ બાપુને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે.