મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : કહેવાય છે કે પોલીસ પાસે સત્યને બહાર લાવવાનાં અનેક રસ્તા હોય છે. અને પોલીસ જ્યારે તેની આગવી શૈલીથી પૂછપરછ કરે ત્યારે મુંગા લોકો પણ પોપટ બની બોલવા લાગે છે. આવી જ ઘટના સામે આવી છે. જેમાં સ્પા પાર્લરમાંથી સોનાનો ચેન ચોરી થયાની ફરિયાદ લઈને આવેલા કથિત પત્રકારો સહિત 6 શખ્સો પર આશંકાને લઈ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી હતી. જેમાં આ શખ્સો આરોપી હોવાનું અને સ્પા સંચાલક પાસે તોડ કરવા ચોરીનું તરકટ જ રચ્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસે તમામને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 

સોમનાથ સોસાયટીમાં અરિવા વેલનેસ એન્ડ હેલ્થકેર નામે સ્પા ચલાવતો સંજય ટીકારામ સોની 4 એપ્રિલે સ્પા પર હતો. ત્યારે જયરાજ અને રવિ નામના બે શખ્સ સ્પા માટે આવ્યા હતા અને સ્પાનો રૂ. એક એક હજારનો ચાર્જ ચૂકવી મસાજ કરાવવા અલગ અલગ રૂમમાં ગયા હતા. એક કલાક બાદ બંને રૂમની બહાર નીકળ્યા હતા. બાદમાં તેમણે પહેરેલો સોનાનો ચેઇન ચોરી થયાની સ્પા સંચાલક સંજયને વાત કરી હતી. જેને લઈને સંજય સહિતના સ્ટાફે તમામ રૂમમાં અને સ્પા કરતી યુવતીઓની તપાસ કરી હતી. પરંતુ ચેઇન ચોરી થયાની વાતને સમર્થન મળ્યું નહોતું.


 

 

 

 

 

આ દરમિયાન જયરાજે ફોન કરતાં મયૂર કાંતિલાલ પાણખાણિયા, ગૌતમ અશોક દેથરિયા, સંજય બાબુ મકવાણા અને સુરેશ જીવરાજ પાડલિયા ધસી ગયા હતા. એકના હાથમાં મોબાઇલ અને બીજાના હાથમાં માઇક હતું, મયૂર, સંજય અને સુરેશે પોતાની ઓળખ એનએન 7 ન્યૂઝના રિપોર્ટર તરીકે આપી હતી. ત્રણેય કથિત મીડિયા કર્મીએ સ્પા કાયદેસર રીતે ચાલે છે કે કેમ તેમ કહી ડોક્યુમેન્ટ માગ્યા હતા અને કેસ પતાવવા માટે દોઢ લાખની માંગ કરી હતી.
 
અચાનક બનેલી આ ઘટનાથી ગભરાયેલા સ્પા માલિક સંજયે રૂ. 75 હજાર આપવાની તૈયારી બતાવી હતી. પણ પુરી રકમ નહીં મળતા આ શખ્સોએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા તમામ લોકોને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. જ્યાં પોલીસે આગવીઢબે પૂછપરછ કરતાં કથિત રિપોર્ટરે પૈસા પડાવવા કાવતરું રચ્યાની કબૂલાત આપી હતી. અને સીસીટીવીમાં પણ તે સ્પા કરાવી અન્ય લોકોને દાગીના આપી રવાના કરતા નજરે પડ્યા હતા. જેને પગલે ફરિયાદ કરવા આવેલા શખ્સો જ આરોપી નિકળતા પોલીસે તમામ 6 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.