મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ:  રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દેવપરા ગામે થયેલ લૂંટ અને હત્યાના ગુનામાં પોલીસે બે મહિલા સહિત 7 આરોપીની ધરપકડ કરી અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસે આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ 1 લાખ 67 હજાર રોકડ રકમ સહિત કુલ 7 લાખ 17 હજાર 930 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

બનાવની વિગત પર નજર કરવામાં આવે તો ગત તારીખ 01 જુલાઇના વહેલી સવારે જસદણ તાલુકાના દેવપરા ગામે વાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં એકલા રહેતા માવજીભાઇ વાસાણી હાથ પગ બાંધી દીધેલી હાલતમાં મૃતદેહ પોલીસને મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પ્રથમથી હત્યાની શંકા તેમજ શરીરના ભાગે માર માર્યાના નિશાન મળતા તપાસ તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ સ્ત્રી પાત્ર હત્યા પાછળ કારણભૂત હોવાનું પોલીસને અનુમાન હતું પરંતુ આ બનાવમાં અગાઉ થી રેકી કર્યા મુજબ મૃતક એકલા રહેતા હોવાનું જાણી આરોપીઓએ લૂંટ તેમજ હત્યા ને અંજામ આપ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 

રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે , મૃતક માવજીભાઇ દાજેલા લોકોને મલમ લગાવી નિઃશુલ્ક સારવાર આપતા હતા  અને એકલવાયું જીવન જીવતા હતા જેની પાસે રાજલ ઉર્ફે રાજી ડોડીયા નામની મહિલા સારવાર માટે જતી હતી જેના કારણે રાજલએ તેમના અન્ય સાગરીતો સાથે મળી કુલ 8 લોકોએ એકલતા નો લાભ લહી લૂંટ અને હત્યા માટે પ્લાન ઘડ્યો હતો જે પૈકી 5 રાજસ્થાનના વતની , 2 પતિ પત્નિ અને ધોળકા ની મહિલા હોવાનું સામે આવ્યું છે. જેમાં પૂજા ઉર્ફે પુજી મુખ્ય ભૂમિકા ભજવી પ્લાન ઘડ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 

Advertisement


 

 

 

 

 

શુ છે ગુન્હાની મોડેસ ઓપરેન્ડી

આ કામના આરોપીઓ પૈકી આ ગુન્હાની માસ્ટર માઇન્ડ પુજા ઉર્ફે પુજલી રઘુભાઇ સોલંકી જાતે દેવીપુજક તથા રાજલબેન ઉર્ફે રાજીબેન નામની સ્ત્રીઓ અગાઉ આ જગ્યાની રેકી કરેલ હોય અને મરણજનાર વૈદ હોય મલમ લેવાના બહાને અવારનવાર આવતી જતી હોય અને મરણજનાર પૈસા પાત્ર હોય અને સોના, ચાંદીના દાગીનાઓ તેની પાસે હોય તેમને શરીરસુખનુ પ્રલોભન આપી બંને સ્ત્રી આરોપીઓએ મરણજનારને લૂંટી લેવાનુ ગુન્હાહીત કાવતરૂ રચી રાજલબેન અને તેનો પતિ મુળ કચ્છના અંજાર મુકામે રહેતા હોય તેના મળતિયાઓ મુળ રાજસ્થાનના ઝુનઝુનુના ગુન્હેગારોને સાથે રાખી બનાવની મોડીરાત્રીના સમયે આ મરણજનાર સુઇ જતા આ કામના આરોપીઓ દ્રારા મરણજનારના મકાનમાં ધાડ પાડી મરણજનારને હાથે-પગે દોરડા વડે બાંધી દઇ, શરીરે મુઢ માર મારી તેમજ તેના મકાનમાં રહેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ તથા મોબાઇલ ફોનની લૂંટ કરી મોત નીપજાવેલ છે.

હાલ પોલીસે 2 મહિલા સહિત 7 આરોપીની ધરપકડ કરી ફરાર એક આરોપીને પકડી પાડવા તપાસ તજવીજ હાથ ધરી છે. જેની પાસેથી હાલ પોલીસે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ 7 લાખ 17 હજાર 930 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે પકડાયેલ આરોપી પૈકી હિતેશ અને રાજલ નામના પતિ પત્નિ હની ટ્રેપ ના ગુનામાં 2 વખત પોલીસ ચોપડે ચઢી ચુક્યા છે.