મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરના રેસકોર્સ પાર્ક ખાતે ઈન્કમટેક્ષનાં 4 કર્મચારીઓ શરાબની મહેફિલ માણી રહ્યા હતા. ત્યારે સ્થાનિક પોલીસે દરોડો પાડીને ચારેય કર્મચારીઓને ઝડપી લઈ મહેફિલનાં રંગમાં ભંગ પાડ્યો હતો. જો કે ઝડપાયા બાદ પણ ચારેયને કોઈ ગંભીરતાનું ભાન ન હોય તેમ હસતા નજરે પડી રહ્યા છે. ઘટનાને પગલે પોષ વિસ્તાર ગણાતા રેસકોર્સ પાર્કના રહીશો પણ ચોંકી ઉઠયા છે. તો ઇન્કમટેક્ષ વિભાગમાં પણ અનેક ચર્ચાઓ ઉઠી રહી છે. 

જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના રેસકોર્સ પાર્કના ફ્લેટમાં વિદેશી દારૂની મહેફિલ જામી છે તેવી પોલીસને બાતમી મળી હતી. જેને આધારે પોલીસે રેસકોર્સ પાર્ક શેરી નંબર 2 ના ફ્લેટ નંબર 27-103 માં ચાલી રહેલી દારૂની મહેફિલ પોલીસે પકડી પાડી હતી. આ દરોડામાં પોલીસે સુધીર કુમાર રામકુમાર યાદવ, આશિષ રાજસિંગ રાણા, રવિન્દ્ર સજ્જનસિંહ સિંધુ અને દેવેન્દ્રકુમાર ભાનુપ્રતાપસિંગ નામના શખ્સો મળી આવતા પોલીસે ચારેય સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે.