મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં બીમારી બાદ એક મહિલા છેલ્લા અઢી વર્ષથી પોતાના પુત્ર સાથે ઘરમાં બંધ હતી. ત્યારે 181 અને એક સેવાભાવી સંસ્થાએ આ માતા-પુત્રને બહાર કાઢી સારવારમાં ખસેડયા હતા. એટલું જ નહીં આ મહિલાનો પતિ દુબઇ હોવાથી તેનો સંપર્ક કરવાની સાથે 13 વર્ષીય બાળકનાં ભણતર માટે તમામ જાવબદારી સંસ્થાએ ઉપાડી છે. 

શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગાંધીગ્રામ વેલનાથ ચોક નજીક ગોવિંદનગર શેરી નંબર - 2માં રહેતા સરલાબેન કાન્તિભાઈ પ્રજાપતિ અને તેમના પુત્રને બહાર કઢાયા હતા. પૂછપરછ દરમિયાન આ મહિલાનો પતિ દુબઇમાં હોવાનું અને અઢી વર્ષ અગાઉ તેમનું સાળણગાંઠનું ઓપરેશન થયા બાદ માતા-પુત્ર ઘરમાં બંધ હોવાનું સામે આવ્યું છે. લોકડાઉનનાં વખતથી તો પુત્ર પણ શાળાએ જવાને બદલે માતાની સેવા કરતો હતો. 

એટલું જ નહીં આ મહિલા શૌચક્રિયા પણ પથારી પર કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે સંસ્થાએ સારવાર માટે ખસેડયા હતા. જો કે બંનેના તમામ રિપોર્ટ  નોર્મલ આવતા ઘરની સફાઈ કરી તેમને ખસેડવા તેમજ પુત્રના ઉચ્ચ એજ્યુકેશનની જાવબદારી સંભાળવાનો નીર્ધાર સંસ્થાનાં ભગવતીબેન વાઘેલાએ વ્યક્ત કર્યો છે. સાથે જ મહિલાનાં પતિનો સંપર્ક સાધવાનાં પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે.