મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ મહિલા સાથે પોતે ગમે તેવું વર્તન કરી શકે છે તેવી હલકી માનસીક્તા ધરાવનારાઓને સમજવાની જરૂર છે કે તે પણ માણસ છે અને તેને પણ પોતાનું જીવન પોતાની રીતે જીવવાના એટલા જ અધિકારો છે જેટલા તમે ધરાવો છો. ગુજરાતમાં જ્યાં મહિલાઓ સુરક્ષીત હોવાના બણગાં રોજ ફૂંકાય છે પણ તેનું વાસ્તવિક ચિત્ર કેટલું ભયાનક છે તે રોજબરોજ બનતી ઘટનાઓ ઉપરથી સામે આવે જ છે. ગીરગઢડાના એક ગામમાં પતિએ પત્નીનું નાક કાપી નાખ્યાની એક ઘટના સામે આવી છે. આ મહિલાનો લોહીલૂહાણ ચહેરો અહીં દર્શાવ્યો નથી પરંતુ તેનો ચહેરો જોઈ મહિલાની પીડાનો અંદાજ આવી જાય છે. મહિલાને સારવાર માટે રાજકોટ ખાતે હોસ્પિટલમાં ખસેડાઈ છે.

ગીરગઢડા ખાતે કોદીયા ગામમાં દંપતી વચ્ચે મારામારી થતા પતિએ ઉશ્કેરાઇ પત્નીનું તીક્ષ્ણ હથિયાર વડે નાક કાપી નાખતા અરેરાટી મચી ગઈ ગઈ છે. પત્નીનું નાક કાપી પતિ ફરાર થઈ ગયો છે. આથી મહિલા લોહીલૂહાણ હાલતમાં જ બેભાન થઈ ઘરની ડેલી વચ્ચે ઢળી પડી હતી. જો કે આસપાસના લોકોને જાણ થતા દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં 108 દ્વારા મહિલાને લોહીલૂહાણ હાલતમાં પ્રથમ ગીરગઢડા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અંગે પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસે નાક કાપનાર મહિલાના પતિની શોધખોળ હાથ ધરી છે. હાલ પરિવારજનોના નિવેદન નોંધી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. 


જો કે બંને વચ્ચે ક્યાં કારણોસર ઝઘડો થયો હતો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનાથી આસપાસમાં રહેતા લોકો પણ મહિલાના પતિ પર ફિટકાર વરસાવી રહ્યાં છે.