મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ કોરોના દર્દીના મૃત્યુ નિપજ્યા હતા. આ દુર્ઘટનામાં બેદરકારીથી મોત નિપજાવવા અંગે શહેરનાં પાંચ નામી ડોક્ટર્સ સામે ગુનો નોંધાયા બાદ ડો. પ્રકાશ મોઢા, તેના પુત્ર વિશાલ અને ડો. કરમટાની ગઈકાલે જ ધરપકડ કરવામાં આવી હતી. અને આજે કોર્ટમાં રજૂ થતા જ ત્રણેયનાં જામીન પણ મંજુર કરવામાં આવ્યા છે. જો કે આ દરમિયાન સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. જેમાં આરોપી ડોક્ટર્સને માલવીયા નગર પોલીસ મથકમાં પણ VIP સુવિધાઓ અપાઈ હોવાનું જણાતા લોકોમાં પોલીસની કાર્યવાહીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. 

વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અગ્નિકાંડ માટે જવાબદાર પાંચ આરોપીઓ પૈકી ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા અને ડો. તેજસ કરમટા એક સોફામાં આરામથી સોફામાં બેઠા છે. એટલું જ નહીં પાંચ દર્દીનાં મોત માટે જેને પોલીસની SITએ જવાબદાર ઠેરવાયા છે. તેવા આ ડોક્ટર્સ પાસે મિનરલ વોટરની બોટલો તેમજ ફ્રુટ પડ્યા હોવાનું પણ સ્પષ્ટ જોઈ શકાય છે. 

ત્રણેય ડોક્ટર્સને અટકાયતમાં લઇને કોરોનાનાં રિપોર્ટ કરાવાયા હતાં. સાંજે તેનો રિપોર્ટ નેગેટિવ આવતાં જ ત્રણેય તબીબોની ધરપકડ પણ કરવામાં આવી હતી.  આ કાર્યવાહી દરમિયાન ત્રણેયની સતત બીજી રાત પોલીસ મથકમાં પસાર થઇ હતી. અને આજે બપોરે ત્રણેયને કોર્ટ હવાલે કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જો કે આ માંગ નામંજુર થઇ હતી અને અદાલતે ત્રણેયને જામીન મુકત કરવાનો આદેશ આપ્યો છે. 

આમ તો આ કેસમાં પોલીસને આરોપીઓને પોલીસ સ્ટેશનમાં જ જામીન પર મુકત કરવાની સત્તા છે. પરંતુ પોલીસ કાર્યવાહી પર આક્ષેપો ન થાય એ માટે થઇને આજે બપોરે ત્રણેયને કોર્ટમાં રજૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. જ્યાં અદાલતે તમામને જામીન મુકત કર્યા હતાં.