મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરનાં માવડી વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં પાંચ દર્દીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. આ મામલે પોલીસે હોસ્પિટલનાં સંચાલક સહિત પાંચ ડોક્ટર્સ સામે ગુનો દાખલ કર્યો છે. જેને લઈ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હેમાંગ વસાવડાએ તમામ ડોક્ટર્સને બલીનો બકરો બનાવ્યાની સાથે જવાબદાર અધિકારીઓને પોલીસ બચાવતી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

હેમાંગ વસાવડાએ આ અંગે સવાલ ઉઠાવ્યો હતો કે, પોલીસે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પહેલા જ ડોક્ટર્સ સામે કાર્યવાહી શા માટે અને ક્યાં આધારે કરી ? સાચો પ્રશ્ન એ છે કે, જો હોસ્પિટલમાં પોલીસનાં કહ્યા મુજબ અનેક બેદરકારીઓ હતી તો ફાયર વિભાગની NOC કેમ મળી ? હોસ્પિટલના ડોકટરો ધમણ અને અન્ય વેન્ટિલેટર વચ્ચે સ્પાર્ક થયાનું નિવેદન આપે છે તો એ દિશામાં તપાસ કેમ નથી થતી ? આ સાથે પોલીસ દ્વારા ડોક્ટર્સને બલીનો બકરો બનાવવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ પણ તેમણે લગાવ્યો છે.