મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરનાં સાધુ વાસવાણી રોડ પર પોતાના જ મકાનમાં કેદીથી બદતર હાલતમાં એક યુવતિ મળી છે. સાથી સેવા ટ્રસ્ટ દ્વારા પરિવારનાં વિરોધ વચ્ચે યુવતિને સારવાર માટે ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં યુવતિને એકાદ સપ્તાહથી અન્નનો દનો પણ અપાયો નહીં હોવાનું સામે આવ્યું છે. તેમજ યુવતિની બાજુમાં યુરિનનાં ટબ ભરેલા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ ટ્રસ્ટનાં જલ્પાબેન દ્વારા સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે. જેને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, સાધુવાસાણી રોડ પર ગોલ્ડન સુપર માર્કેટ પાછળ ન્યૂ અંબિકાનગર- 3માં છેલ્લા 4-5 મહિનાથી ભાડે રહેતા પરિવારનું વર્તન શંકાસ્પદ જણાતું હતું. તેમજ આસપાસનાં લોકો દ્વારા મકાનના રૂમમાં એક યુવતીને ગોંધી રાખવામાં આવી હોવાની ચર્ચા શરૂ થઇ હતી. અને પરિવારનાં જ વૃધ્ધા દ્વારા પુત્રીની સારવાર માટે અનેક લોકો પાસે આર્થિક મદદ લેવાતી હતી પરંતુ મદદ મળવા છતાં સારવાર માટે પુત્રીને લઇ જવાતી ન હોવાનું પાડોશીઓમાં ચર્ચાતું હતું. 

દરમિયાન જાગૃત નાગરિકે ઉપરોક્ત પરિવારની મદદ માટે આર્થિક સહાયની અપીલ પણ કરી હતી. અપીલ જોઇને સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમના સાથી કાર્યકરો રાશનકીટ સાથે વૃધ્ધાના ઘરે પહોંચ્યા હતા અને યુવતીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ વૃધ્ધાએ રોકડ સહાયની માગ કરી પુત્રીને કાલે હોસ્પિટલ લઇ જશે તેમ કહેતા સેવાભાવીઓને શંકા ઉપજી હતી.

યુવતીને ગોંધી રખાયાની તેમજ અસહ્ય દુર્ગંધ આવતી હોવાની પાડોશીઓની ફરિયાદ મળતા જલ્પાબેન પટેલ અને કાર્યકરો દરવાજાને ધક્કો મારીને રૂમમાં ઘુસ્યા એ સાથે ઉબકા,ઉલટી થાય એવી દુર્ગંધ અવવી શરૂ થઇ હતી. અને રૂમની અંદર જતા જ વચ્ચે ગોદડા પર એક યુવતીને માથે કપડું ઓઢાડી સૂવડાવેલી હાલતમાં જોવા મળી હતી. યુવતીની હાલત જોતાં એ નિશ્ચેત હોવાનું જણાયું, પરંતુ શ્વાસ ચાલુ જણાતાં તુરંત 108 અને 181 ને જાણ કરીને બોલાવી લેવાયા હતા.

દરમિયાન તેણીનાં માતા-બહેને કોઇ કારણોસર યુવતીને હોસ્પિટલ નહીં લઇ જવા હોબાળો કર્યો હતો. તેમજ પિતા હમણાં આવું કહીને ચાલ્યા ગયા હતા. વૃધ્ધાએ ઉગ્ર બોલાચાલી પણ કરી હોવા છતાં સેવાભાવી ગ્રુપે યુવતીને 108માં હોસ્પિટલ ખસેડી હતી. અને સાથે તેના કથિત કાકા સુરેશભાઇને પણ રવાના કરાયા હતા. આ યુવતીનું નામ અલ્પાબેન મહેન્દ્રભાઇ સેજપાલ હોવાનું અને તે સી.એ.(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)નો અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. યુવતીને કોઇ અસાધ્ય બિમારી હોવાનું તેના પરિવાર કહી રહ્યો છે. પરંતુ 

જો કે કોઇ સારવારના બદલે બારોબાર શક્તિ તેમજ બીજી દવાઓ આપીને સૂવડાવી રાખતા હોવાનું સામે આવતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. હાલ અલ્પાને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. પરંતુ બેશુધ્ધ હોવાથી કોઇ વિશેષ વિગત બહાર આવી નથી. તેના ભાનમાં આવ્યા પછી આ રહસ્યમય ઘટનામાં ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.