મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : પારડી ગામે લોકોને ઘરે ઘરે પાણી મળે તે માટેની 'વાસ્મો' યોજના અંતર્ગત 2 કરોડના કામ મંજૂર કરાયા છે. આ યોજનાનું ખાતમુહૂર્ત કરવા માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની સાથે જ સ્થાનિક આગેવાનો પણ ત્યાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમ સમયે મંત્રીએ મહિલાઓ સાથે પ્રશ્નોત્તરી કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન કેટલીક મહિલાઓએ ગટરની સફાઈ સહિત વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેના સંતોષકારક જવાબ ન મળતા આવેશમાં આવીને સ્ટેજ સુધી પહોંચી ગઈ હતી. જેને લઈને બાવાળીયા અને સ્થાનિક નેતાઓએ સ્ટેજ છોડી ચાલતા થયા હતા. ઘટનાનો વિડીયો હાલ વાયરલ થયો છે. 

ઉલ્લેખનીય છે કે, પ્રશ્નોત્તરી દરમિયાન આ મહિલાઓ પૈકી એક મહિલાએ ‘નવા મકાન બન્યા ત્યાં ગટરની લાઈન આવી ગઈ અમારે ત્યા હજુ ગટર નથી નખાઈ’ તેવું કહ્યું હતું. જેનો યોગ્ય જવાબ ન મળતા મામલો ગરમાયો હતો. જો કે સ્થાનિક નેતાઓએ મહિલાને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પણ તેમાં સફળતા નહીં મળતી હોવાનું જાણી બાવળિયાએ જ આગેવાનોને ઈશારો કરી નીકળી જવા કહ્યું હતું. અને બાવાળીયા ઉપરાંત ધારાસભ્ય સહિતના આગેવાનો ત્યાંથી નિકળી ગયા હતા.