મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ હાલમાં સૌપ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના ઓમિક્રોન વેરિએંટના ભયને પગલે દરેક દેશ રાજ્યો પોતપોતાની રીતે તે વેરિએંટને પ્રવેશતો રોકવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેવા સમયમાં ગુજરાતમાં પણ આ પ્રકારે જ તકેદારીઓ અને ચિંતાઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જેને કારણે હાલમાં 8 મહાનગરોમાં રાત્રી કરફ્યૂ પણ સરકારે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે આવા ચિંતાજનક માહોલ વચ્ચે રાજકોટમાં વિદેશથી આવેલા 11 લોકો ક્યાં ગયા તેની શોધખોળ કરવા તંત્રને દોડતું થઈ જવું પડ્યું છે. જોકે સરકાર પાસે કેટલીક ડિટેઈલ્સ છે જે આધારે રાજકોટ શહેરમાં 9 અને 2 જિલ્લામાં એમ 11 લોકોને શોધવા અને તેમને ક્વોરંટાઈન કરવાનો નિયમ પાળવાની કાર્યવાહી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં વેક્સિનેશનને સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને સાથે જ કોરોનાના દર્દીઓનો આંકડો જે ભયજનક સપાટીએ હતો તેવો ભય હવે નથી રહ્યો જોકે કોરોના ગુજરાતમાંથી ગુડબાય કરી ગયો હોય તેવું પણ નથી. સતત કેસ પણ આવી રહ્યા છે. હાલમાં લગ્નગાળો છે અને તહેવારો પણ હમણા જ ગયા છે ત્યારે કેસમાં થોડો વધારો પણ જોવા મળી રહ્યો છે ત્યારે ઓમિક્રોન વેરિએંટને પણ ધ્યાને લેવો સરકાર માટે તેટલો જ જરૂરી હતો જેને કારણે નવી એસઓપી ગઈકાલે સરકારે જાહેર કરી હતી. એક તરફ ઓમિક્રોન વેરિએંટે વિદેશોમાં દેખા દીધી છે ત્યારે ગુજરાતમાં સરકારની સૂચના આધારે આ નવા વેરિએંટથી સાવચેત રહેવાનું છે.

Advertisement


 

 

 

 

 

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા પણ તેને ધ્યાને રાખી તકેદારીઓ લેવાઈ રહી છે પરંતુ હાલમાં જ 43 લોકોને વિદેશથી આવ્યા પછી ક્વોરંટાઈન કર્યા હોવાની વિગતો મળી હતી. અને હવે 11 લોકો કે જેઓ વિદેશથી આવ્યા છે તેમને ક્વોરંટાઈન કરવાના છે. તંત્ર આ 11ને શોધી રહ્યું છે. આરોગ્ય વિભાગે જ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે વિદેશથી આવેલા મુસાફરોનો સંપર્ક કરી તેમને હોમ ક્વોરંટાઈન કરવાની વ્યવસ્થા યુદ્ધના ધોરણે શરૂ કરાવી છે. તે સાથે જ એરપોર્ટ પર તેમનું મેડિકલ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જોકે વિદેશથી અમદાવાદ એરપોર્ટ આવીને બસ કે અન્ય વાહનો મારફતે વિદેશી પ્રવાસીઓ શહેરોમાં આવી રહ્યા છે ત્યારે તેમને શોધવા અને હોમ ક્વોરંટાઈન કરવા તંત્ર સતત દોડમાં જોવા મળી રહ્યું છે.