મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : સીએમ રૂપાણીનાં હોમટાઉનમાં કોંગ્રેસના પ્રચાર માટે હાર્દિક પટેલ અને ભાજપના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સભાઓ ગજવશે. આજે શહેરનાં જુદા-જુદા વોર્ડમાં બંને દિગ્ગજ નેતાઓની કુલ 8 જેટલી સભાઓનું આયોજન કરાયું છે. જો કે હાલ ભાજપની મોંઘવારી, કોંગ્રેસની માથાકૂટ, તેમજ અન્ય પક્ષોની નિષ્ક્રીયતાથી કંટાળેલા લોકોને ભાષણોમાં રસ પડતો નથી. એટલું જ નહીં અનેક સ્થળે મતદાનનો બહિષ્કાર થઇ ચુક્યો છે. ત્યારે આ બંનેની સભાઓને કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું.
રાજકોટ મહાપાલિકામાં 40 પૈકી 35 વર્ષ ભાજપ અને 5 વર્ષ કોંગ્રેસને સત્તા મળી છે. ગત 2015ની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કસોકસની સ્પર્ધા હતી અને માત્ર 3 બેઠકથી ભાજપને સત્તા મળી હતી. ત્યારે બન્ને પક્ષો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મતવિસ્તાર રાજકોટમાં છે. પરંતુ, કાર્યકરોની લાગણી છતાં કોરોના પોઝીટીવ આવતા ચૂંટણીના સમયમાં તેઓ એક દિવસ પણ આવી શકે તેમ નહીં હોવાથી સ્મૃતિએ મોરચો સાંભળ્યો છે.
આજે સાંજથી રાત્રિના 11 વાગ્યા સુધી ભાજપની ચાર સભા વોર્ડ નં.૭માં થશે. તો આ જ સમયગાળામાં કોંગ્રેસની ચાર સભા વોર્ડ નં. 4,5,8,11 વગેરેમાં જુદા જુદા સ્થળે યોજાનાર છે. સભામાં હાજરી દેખાડવા બન્ને પક્ષો દ્વારા કવાયત આદરવામાં આવી છે. અને સભામાં સોશ્યલ ડિસ્ટન્સ, માસ્કનો ભંગ તેમજ હંમેશની માફક તંત્રનું મૌન પણ જારી રહે તેવી પુરી શક્યતા છે.