મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : પાટીદાર અગ્રણી અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા હાર્દિક પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. આ તકે કોંગ્રેસની 45 સીટ જીતવાનો દાવો કરતા તેમણે ભાજપ સહિત આમ આદમી પાર્ટી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી તો મેદાનમાં છે જ નહીં. જ્યારે ભાજપ પ્રત્યે તમામ સમાજનાં લોકોમાં ભારે નારાજગી છે. ત્યારે ઓછામાં ઓછી 45 બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે. 

હાર્દિકનાં જણાવ્યા મુજબ, વર્ષ 2015માં પાટીદાર સમાજ નારાજ હતો ત્યારે પણ ભાજપને જીતવું ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું. જેની સામે હાલ બધા સમાજનાં લોકોમાં ભાજપ માટે ભારોભાર નારાજગી છે. જેની સીધી અસર ચૂંટણીમાં જોવા મળશે. અને કોર્પોરેશન ચૂંટણીમાં 72 પૈકી 45 બેઠકો પર કોંગ્રેસનો વિજય તો નિશ્ચિત જ છે. આ તકે આમ આદમી પાર્ટી વિશે તેમણે કહ્યું હતું કે, આપ તો મેદાનમાં છે જ નહીં.

વધુમાં કોંગ્રેસ પક્ષમાં નારાજગીના કારણે ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચવાના મુદ્દે હાર્દિકે જણાવ્યું હતું કે, દરેક પક્ષમાં કોઈને કોઈ કાર્યકર નારાજ હોય છે. ચૂંટણી સમયે નારાજ થાય તે સ્વાભાવિક છે. ભાજપમાં પણ ઘણા કાર્યકરો નારાજ છે. પણ તે સત્તામાં છે એટલે તેના કાર્યકરો બોલતા નથી. અમે અમારા પક્ષમાં દરેક કાર્યકરને બોલવાની છૂટ આપી છે એટલે લોકો વિરોધ કરે છે.