મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરના મોરબી રોડ પરનાં વેલનાથપરામાં રહેતા શ્રમિક પરિવારની પંદર વર્ષીય પુત્રીએ પોતાના ઘરે પતરાની આડશમાં દુપટ્ટો બાંધીને આપ-ઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. એકતરફી પ્રેમીની પજવણીનાં કારણે તેણીએ આ પગલું ભર્યું હોવાનું પિતાએ બી-ડિવીઝન પોલીસને જણાવતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, જયા કિશોરભાઈ પરમાર નામની મૃતક તરૂણી નવમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. અને પરિવારને મદદરૂપ થવા માટે ઈમિટેશનનું કામ પણ કરતી હતી. પિતા મજુરી કામ કરે છે. માતા, પિતા બંને ત્રીસ હજારની લોન મંજુર થઈ હોઇ લોનના કામ માટે બહાર ગયા હતા. અને નાનો ભાઈ બહાર રમી રહ્યો હતો. જ્યારે મોટી બહેન કામ પર હતી. આ દરમિયાન તરૂણીએ છેલ્લું પગલું ભર્યું હતું.

પિતા કિશોરભાઈ અને તેની પત્ની બંને લોનના કાગળ ભુલાઈ જતા ઘરે લેવા આવતા પુત્રીને લટકતી જોઈને હતપ્રત બની ગયા હતા. મૃતકના પિતાએ એવો આક્ષેપ કર્યો હતો કે, અગાઉ લાતીપ્લોટમાં રહેતા હતા ત્યારે એક ઈસમ પુત્રીની પજવણી કરતો હતો. જેના કારણે છ માસથી મકાન બદલાવીને વેલનાથપરામાં રહેવા આવી ગયા હતા. તેના ત્રાસને કારણે જ દીકરીએ આ પગલું ભર્યાની આશંકા પણ તેમણે વ્યક્ત કરી છે.