મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. જો સરકાર લોકડાઉન નહીં લગાવે તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વયંભૂ લોકડાઉન અંગે નિર્ણય કરવામાં આવશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ અંગે વિરોધ દર્શાવતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાત્રી કર્ફ્યુથી કંઈ કોરોનાના કેસ ઘટતા નથી. જો સરકાર 2-3 દિવસનું લોકડાઉન કરશે તો જ કોરોનાના સંક્રમણની ચેનને તોડી શકાશે. જો સરકાર બે દિવસનાં લોકડાઉનને લઇને નિર્ણય નહિ લે તો સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવાની તૈયારી ચેમ્બર ઓફ કોમર્સએ દાખવી હતી. સરકારના નિર્ણય બાદ ચેમ્બર ઓફ કોમર્સ બેઠક કરીને શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન અંગે નિર્ણય કરશે. અમારી તો એક જ માંગ છે કે શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે. જો લોકડાઉન નહિ આવે તો પરિસ્થિતિ વધુ કથળી શકે છે.