મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : રીબડા ગામેથી હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. જેમાં અનેક જુગારીઓ ઝડપાયા હોવાનું આવ્યું સામે છે. જેમાં અનેક મોટામાથાઓ સામેલ હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે. એસ.પી. બલરામ મીણાના આદેશ બાદ પડાયેલા આ દરોડામાં લાખોની રોકડ રકમ કબ્જે કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. 

પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ તાલુકાનાં રીબડા ગામની સીમમાં એક ફાર્મ હાઉસમાં મોટા પાયે જુગારની કલબ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેને આધારે રૂરલ એસપી. બલરામ મીણા ખુદ એલસીબી તથા એસઓજી ની ટીમ સાથે ત્રાટકયા હતા. તેમજ જુગારની આ ક્લબમાંથી 18 જુગારીઓને ફોર્ચ્યુનર કાર, રૂપિયા 8.13 લાખની રોકડ રકમ તથા અન્ય મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યા મુજબ, આ જુગાર ક્લબ ખરેડી ગામનાં નામચીન બુકી દિપકસિંહ જાડેજા ચલાવતા હોવાનું ખુલ્યું છે. જો કે આ ફાર્મહાઉસ કોનું છે તે અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ આ જુગરધામ અંગે ફરીયાદ નોંધવા અને પંચનામાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભલામણો માટે મોટામાથાઓ દ્વારા ધમપછાડા કરવામાં આવતા હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.