મેરાન્યૂઝ નેટવર્ક. ગોંડલ : ગુંદસર ગામે એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં પત્ની વિરમગામ લગ્નપ્રસંગમાં જતા પતિ તેની પૂર્વ પ્રેમિકાને મળવા પહોંચ્યો હતો. દરમિયાન પ્રેમિકાનો ભાઈ જોઈ જતા પ્રેમીની પાછળ પડ્યો હતો. તેનાથી બચવા પ્રેમી વંડી ઠેકીને ભાગ્યો હતો. પરંતુ ભાગતા - ભાગતા જ તે અંધારાને કારણે કૂવામાં ખાબક્યો હતો. અને પરિવારની ભારે શોધખોળ બાદ ચાર દિવસ પછી આજે ગુંદસર ગામના કુવામાંથી તેની લાશ મળી છે.

જાણવા મળતી વિગત મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ શાપર વેરાવળમાં ચાર ભુજા કંપનીમાં રહી મંજૂરી કામ કરતો 26 વર્ષીય ઉજ્જનસિંગ જ્ઞાનેન્દ્રસિંગ ગૌતમ ની પત્ની જ્યોતિકા  ગત તા. 20નાં રોજ વિરમગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગઈ હતી. જે અરસામાં તેનો પતિ ઉજજનસિંગ રાત્રીના સમયે બાઈક લઈને ગોંડલના ગુંદસર ગામે પ્રેમિકા અંજુને મળવા ગયા હતો. પરંતુ રાત્રીના 11 વાગ્યે પ્રેમીકા અંજુના ભાઈને જાણ થતાં ટોર્ચ ચાલુ કરી બહેનના પ્રેમી ઉજ્જન પાછળ દોટ મૂકી હતી. 


 

 

 

 

 

બીજીતરફ અંધારામાં અવાજ સાંભળી ઉજ્જનસિંગ અંધારામાં વંડી કૂદીને ખેતરના ખુલ્લા માર્ગે ભાગતા ભાગતા પાળી વગરનાં કૂવામાં ખાબક્યો હતો. તેમજ રાત્રીનો સમય હોવાથી કોઈ મદદ નહિ મળતા પાણીમાં ગરક થઈ જવાથી યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે શ્રમિક પરિવારે  શાપર પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ નોંધાવી યુવકની શોધખોળ હાથ ધરી હતી.

દરમિયાન ચાર દિવસ બાદ પૂર્વ પ્રેમિકાને મળવા ગયો હોવાની આશંકાએ પરિવારજનોએ તપાસ કરી હતી. જેમાં ગોંડલના ગુંદસર ગામે કુવા પાસેથી બાઈક મળી આવ્યું હતું. અને વધુ તપાસ દરમિયાન કૂવામાં યુવકનો મૃતદેહ તરતો દેખાતા શાપર પોલીસને જાણ કરી હતી. જેને પગલે પી.એસ.આઈ મોહિત સિંધવની ટીમે દોડી જઇ ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો છે. મૃતક ઉજ્જનસિંગ બે સંતાનનો પિતા હતો અને 2015માં જ્યોતિકા સાથે તેના લગ્ન થયા હોવાનું તેમજ તેના બે સંતાન હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.