મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ ખેડૂતોની પાસેથી રદ્દીના ભાવે ખરીદેલી ડુંગળીના ભાવ હવે આસમાને છે, ડુંગળીની કિંમત શું છે તે ગરીબ અને મધ્યમ વર્ગ સારી રીતે જાણે છે. આ ભાવો તેમના માસિક બજેટ પર કેટલો બોજો મુકે છે તેનો અંદાજ પણ માત્ર તે જ લગાવી શકે છે. જોકે હાલ સૌરાષ્ટ્રમાં ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે જેથી ખેડૂતો ડુંગળી વેચવા માટે રાજકોટ અને ગોંડલના માર્કેટ યાર્ડમાં ટ્રક અને ટ્રેક્ટર ભરીને આવી રહ્યા છે. ગુરુવારે આવી જ રીતે બલ્કમાં ડુંગળી લઈને જતાં વાહનમાંથી ડુંગળી મોટી સંખ્યામાં ઢોળાઈ જતાં લોકો તુરંત ડુંગળી ઉઠાવવાના કામે લાગી ગયા હતા.

રાજકોટ-ગોંડલ હાઈવે પર એક ટ્રેક્ટરમાંથી ડુંગળી ઢોળાઈ ગઈ હતી. લગભગ એકાદ બોરી જેટલી ડુંગળી ઢોળાઈ જતાં રોડ પર અહીં તહીં વિખેરાઈ ગઈ હતી. જોકે કોઈ ખજાનો રોડ પર ઢોળાઈ ગયો હોય તેમ લોકોએ રીતસર પડાપડી કરી મુકી હતી. પરંતુ આ અત્યંત જોખમી પણ હતી છતાં લોકોએ અહીં હાઈવે પરથી પુર ઝડપે જતાં વાહનોની ઘડી ભર ચિંતા કરી ન હતી. પોતાનો જીવ પણ દાવ પર લગાડી દઈ લોકોએ અહીં ડુંગળીઓ વીણી વીણીને ઢગલીઓ કરી હતી. અહીં જોકે કેટલાક એવા પણ હતા કે જેઓને આ દ્રશ્ય કેમેરામાં કંડારવામાં રસ હતો. તે લોકોએ પણ અહીં વીડિયો ઉતાર્યા અને સોશ્યલ મીડિયા પર મુક્તાં આ વીડિયોઝ વાયરલ થઈ ગયા છે.