મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: જામનગર પોલીસ બાદ હવે રાજકોટ પોલીસ પણ હરકતમાં આવી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભુપત ભરવાડ વિરુદ્ધ એક બાદ એક ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. માત્ર સાત દિવસના સમયગાળાની અંદર જ ભૂપત ભરવાડ વિરુદ્ધ ત્રણ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. જે ગુનાઓમાં ગેર કાયદે વ્યાજે પૈસા આપવા, બળજબરી પૂર્વક જમીન પચાવી પાડવી તેમજ જાનથી મારી નાખવાની ધાક ધમકી આપવી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભૂપત ભરવાડના આજે રિમાન્ડ પૂર્ણ થતાં હતા. રિમાન્ડ પુરા થતા પહેલાં પોલીસ દ્વારા તેને સાથ રાખે તેની ઓફિસે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પોલીસ દ્વારા તેની જરૂરી પૂછપરછ કરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. તો સાથે જ આરોપીની ઑફિસમાં કોઈ દસ્તાવેજી પુરાવા કે અન્ય કોઈ ડોક્યુમેન્ટ છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ સૂત્રોનું માનીએ તો આગામી દિવસોમાં ભૂપત ભરવાડ વિરૂદ્ધ હજુ બે ગુના દાખલ થઈ શકે તેમ છે. તેમજ પોલીસ દ્વારા યોગ્ય સમયે પાસાની કલમ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી શકે તેમ છે. જોકે તે બાબત પર હજુ સત્તાવાર કોઈ માહિતી સામે આવી રહી નથી.