મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : કોરોના કાળમાં અનેક લોકોના વેપાર-ધંધા પર અસર પડી છે. જેને લઈને અમુક લોકોએ પોતાના ધંધા-રોજગાર બંધ કરવાનો વારો આવ્યો છે. સાથે જ અનેક લોકો ગેરકાયદેસર કામમાં લાગી ગયા છે. ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં લોકડાઉન દરમિયાન કરિયાણાનો ધંધો ઠપ્પ થઈ જતા એક યુવકે સ્ત્રીમિત્ર પાસે દેહવ્યાપાર કરાવવાની શરૂઆત કરી હતી. અને દરરોજ નવા ગ્રાહક સાથે તેણીને મોકલવા લાગ્યો હતો. જો કે પોલીસે ડમી ગ્રાહક મોકલીને સ્ત્રી મિત્ર પાસે લોહીનો વેપાર કરાવતા શખ્સનાં કરતૂતોનો પર્દાફાશ કર્યો છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, શાપર વેરાવળમાં ભાડે દુકાન રાખી કરિયાણાનો વેપાર કરતો શખ્સ દેહવ્યાપાર ચલાવતો હોવાની માહિતી મળી હતી. જેને લઈને ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો. આ ગ્રાહકે પરેશ શાહ નામના યુવકનો સંપર્ક કરતા તેણે રૂ. 10 હજાર તેમજ હોટલ ખર્ચ ભોગવવાનું જણાવ્યું હતું. જેને પગલે તેના કહેવા મુજબ ડમી ગ્રાહકે હોટલ તિલકમાં રૂમ બુક કરી પરેશને જાણ કરી હતી. 

ત્યારબાદ પરેશ પોતાની સ્ત્રીમિત્રને લઈને હોટલ તિલક પહોંચ્યો હતો અને ડમી ગ્રાહક પાસેથી રૂ. 10 હજાર લઈને સ્ત્રીમિત્રને તેની સાથે રૂમમાં મોકલી આપી હતી. દરમિયાન ડમી ગ્રાહકે સંકેત આપતા આ જ હોટલમાં છુપાવેશમાં હાજર પોલીસે પરેશને રંગેહાથ ઝડપી પાડયો હતો અને તે સ્વરૂપવાન સ્ત્રી વિશે પૂછતા તેણે પોતાની સ્ત્રીમિત્ર હોવાનું અને બંને પતિ-પત્નીની જેમ સાથે રહેતા હોવાનું જણાવ્યું હતું. જેને પગલે યુવતિને સાક્ષી બનાવી પોલીસે પરેશ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેંશન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.