મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પ્રેમિકા સાથે મિત્રતા કરવા જનાર યુવકને પ્રેમીએ જાહેરમાં છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ખૂની ખેલ સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે માત્ર 3 કલાકમાં જ આરોપી અને તેના સાગરીતને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરામાં રહેતો અને રિક્ષા ચલાવતો શખ્સ રજાક યુસુફભાઇ જુણેજા (ઉ.વ.૨૧) ગઈકાલે સાંજે રિક્ષામાં ત્રણ મિત્રો સાથે જવાહર રોડ પર મોમાઈ હોટલ પાસે પહોચ્યો હતો. આ સમયે તેના જ વિસ્તારના રિક્ષાચાલક સાજીદ રજાકભાઈ ભટ્ટી અને તેનો નાનો ભાઈ મુસ્તાક રજાકભાઈ ભટ્ટી મોમાઈ હોટલે પહોચ્યા હતા. ત્યારે રજાકે રિક્ષા ચાલક સાજીદને લાફો મારી દેતા રોષે ભરાયેલા સાજીદે છરી વડે સરાજાહેર હુમલો કર્યો હતો. ત્યારબાદ પાઈપવડે અન્ય સાથીએ પણ હુમલો કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

આ ઘટનામાં રજાક ઈજાગ્રસ્ત થતા ત્યા જ દમ તોડ્યો હતો. જેને પગલે પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને ક્રાઈમબ્રાંચ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લઈ આકરી સરભરા કરવામાં આવી હતી. આ તકે આરોપી સાજીદની કબુલાત મુજબ તેને એક યુવતી સાથે પ્રેમ છે તેના પર રજાકની ખરાબ નજર હતી. આ બાબતે રજાકે થોડા દિવસ પહેલા પણ ઝગડો કરી પ્રેમિકાને પોતાને હવાલે કરવા જણાવ્યું હતું. જેને લઈને સાજીદે પોતાની પ્રેમીકાનો આશિક રજાક મળતા તેને વેતરી નાખ્યો હોવાનું જણાવ્યુ હતું.