મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં આજે આજી નદીના પટમાં આવેલા કચરા અને ગંદકી ભર્યા કિચડમાં એક ઘોડો ડૂબ્યો હતો. ફાયર વિભાગને આ ઘટનાની જાણ થતાં તેઓ તુરંત તેને બચાવવા દોડી ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ મહામુસીબતે આ ઘોડાનું સફળ રેસ્ક્યૂ કર્યું હતું. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જે અહીં અહેવાલના અંતે દર્શાવ્યો છે. ફાયર વિભાગના જવાને જ્યારે જીવના જોખમે ઘોડાને બચાવ્યો પરંતુ ગંદકી અને કેમિકલ યુક્ત પાણીમાં ઉતરવાને કારણે જવાનને અચાનક શરીરે ખંજવાળ ઉપડતાં તેને સારવાર માટે હોસ્પિટલ દોડવું પડ્યું હતું.

અડધો કલાક સુધી ચાલેલા આ ઓપરેશનની વિગતો એવી છે કે આજીડેમ પાસે આવેલા રાજરાજેશ્વર મંદિરના મહંત બળવંતગિરિ ગોસાઈને એક ઘોડો નદીના પટમાં ડૂબતો દેખાયો. જેને કારણે તેમણે તુરંત એક કોંગ્રેસના અગ્રણી રણજિત મુંધવાને આ અંગે જાણ કરી તેમણે તુરંત રોકાયા વગર આ સંદર્ભની જાણ ફાયર વિભાગને કરી હતી.

ફાયર વિભાગને જાણકારી મળતા જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન નદીમાં ઘોડાને બચાવવા ઉતરેલા જવાનને કેમિકલની અસર થતાં શરીરે ખંજવાળ ઉપડી હતી. જેને કારણે તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.