મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરનાં કાલાવડ રોડ નજીકનાં આવાસ ક્વાર્ટરમાં સગા બાપે 15 વર્ષની દિકરીને જ હવસનો શિકાર બનાવ્યાની ઘટના સામે આવી છે. પિતા-પુત્રીનાં સંબંધોને શર્મસાર કરતી આ ઘટનામાં પત્ની રિસામણે હોવાથી નરાધમ બાપે દિકરીને માર મારી દુષ્કર્મ આચર્યુ હતું. આ સમગ્ર મામલે દિકરીએ જાતે ફરિયાદી બની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે. પિતાએ પોલીસ સમક્ષ ભૂલ થઇ ગઇ હોવાનું સ્વીકાર કરતા કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

આ જઘન્ય બનાવની જાણવા મળતી વિગત અનુસાર, હવસખોર આરોપીને બે સંતાન છે. અને રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. થોડા દિવસો પહેલા તેણે પત્‍ની સાથે દારૂ ઢીંચી માથાકુટ કરી હતી. જેને પગલે પત્‍નીએ મહિલા પોલીસ સ્‍ટેશનમાં અરજી આપી હતી. અને પછી પોતે સગીર દીકરીને લઇ રાજકોટમાં જ રહેતા પોતાના માતવરના ઘરે જતી રહી હતી. જ્‍યારે દિકરો તેના પિતા અને દાદાના ઘરે હતો. જો કે બાદમાં પતિ દિકરીને પરત લઈ આવ્યો હતો. 


 

 

 

 

 

શનિવારે દિકરીને સુતેલી જોઈને આ નરાધમ પિતાનો વાસનાનો કીડો સળવળ્યો હતો. અને તેણે દિકરીનાં અડપલાં શરૂ કર્યા હતા. બાદમાં બળજબરીથી તેને  ઢોર માર માર્યા બાદ કપડાં ઉતારી હવસ સંતોષી હતી. સાથે જ આ વાત કોઈને કહેવા પર જાનથી મારવાની ધમકી આપી હતી. સગા બાપે કરેલી હેવાનીયતથી દીકરી હતપ્રભ થઇ આઘાતમાં ગરક થઇ ગઇ હતી. દરમિયાન ગઇકાલે રવિવારે પડોશમાં રહેતાં બહેનને ત્‍યાં ઘરકામે ગઇ હતી. ત્‍યાંથી તક મળતાં જ પોતાની માતાને ફોન કરી આપવીતી જણાવી હતી. જેને લઈ મામલો પોલીસમાં પહોંચ્યો છે. 

આ ઘટનામાં તાલુકા પોલીસે આવાસ યોજનાનાં ક્‍વાર્ટરમાં રહેતી સગીર વયની પુત્રીની ફરિયાદ પરથી તેણીના સગા બાપ સામે પોક્‍સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે. તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં નરાધમ પિતા નશો કરવાની ટેવ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. અને ઝડપાઈ ગયા બાદ આ નરાધમે પોલીસ સમક્ષ ભૂલથી આ કૃત્ય થયું હોવાનું સ્વીકારી લીધું છે. હાલ તાલુકા પોલીસ દ્વારા સમગ્ર મામલો મહિલા પોલીસને સોંપી દેવાતા મહિલા પોલીસે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે