મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ક્રાઈમ બ્રાન્ચે 12 ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આનંદ સિતાપરા ઉર્ફે કરોડ પતિ ચોર અને તેના પુત્રની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અને 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે જેલમાં રહેલા સહ આરોપીનો કબજો મેળવવામાં આવશે. તો મુખ્ય આરોપી આનંદ વિરૂદ્ધ ભૂતકાળમાં શહેરમાં 32 ગુના દાખલ થઈ ચૂક્યા છે. ત્યારે વર્ષ 2017માં પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી ચોરી કરતા પહેલા માનતા રાખી અને સફળતા પૂર્વક ચોરી કર્યા બાદ આ માનતા પુરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. 

જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે અગાઉ અસંખ્ય ચોરીના ગુનામાં સંડોવાયેલ આનંદ જેસિંગ સીતાપરા તથા તેનો દીકરો હસમુખ ચોરીમાં ઉપયોગ કરેલ મોટરસાયકલ તથા સોના, ચાંદીનાના દાગીના અને રોકડ રૂપિયા સાથે માધાપર ચોકડી આસપાસ ફરી રહ્યા છે. જેને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા માધાપર ચોકડીથી પાસે બંને પિતા-પુત્રોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંનેની પૂછપરછમાં 12 જેટલી ચોરીનો ભેદ પણ ઉકેલવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી સોના અને ચાંદીના દાગીના, બે મોટર સાયકલ, ઘડિયાળ તેમજ રોકડ સહિત કુલ 15,01,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ તહેવાર દરમિયાન ચોરી કરતા હતા. બારીની ગ્રિલ તોડીને ચોરી કરતા હતા. સાથે પોલીસથી બચવા મોટી ચોરી કર્યા બાદ તરત જ ઘર પણ બદલી નાખતા હતા. પોતાની ઓળખ છુપાવવા માટે બંને હંમેશા હેલ્મેટ પહેરી આવતા હતા. અને નંબર પ્લેટ વગરના મોટર સાયકલનો ઉપયોગ કરી  સીસીટીવી કેમેરાથી દૂર રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. 

આરોપી આનંદ જેસિંગ ભાઈ સીતાપરા તેમજ પિયુષ વિનુભાઈએ માત્ર માર્ચ મહિનાથી લઈ અત્યાર સુધીમાં કુલ 12 જેટલી ચોરીને અંજામ આપ્યો છે જે બાબતની કબૂલાત તેને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સમક્ષ પણ કરી છે. ભૂતકાળમાં આનંદ જેસિંગ સીતાપરા વિરુદ્ધ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ 32 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. 2017માં તેના વિરુદ્ધ 'પાસા' હેઠળ પગલાં પણ લેવામાં આવ્યા હતા. આરોપીઓને ઝડપી 15 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કરવા બદલ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ગઢવી, પીએસઆઇ પીએમ ધાખડા તેમજ તેમની ટીમના માણસોને રૂપિયા 15000નું ઇનામ આપવામાં આવેલ છે