મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: જસદણના બળધોઇ નજીક એક કારે બાઇકને ઠોકર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારની ઠોકરથી ફંગોળાઈને બાઈક બાજુના ખેતરમાં પડ્યું હતું. જ્યારે કાર વીજપોલ સાથે અથડાઇ ખાડામાં ઉતરી ગઇ હતી. આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર પિતા-પુત્રીના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી હતી. આ સિવાય બાવળા અને પાટણમાં પણ કાર અકસ્માતની ઘટનાઓ સામે આવી છે.  

ભાવનગર-રાજકોટ હાઇવે પર જસદણના બળધોઇ ગામ નજીક સર્જાયેલા આ ગોઝારા અકસ્માતમાં બાઇક પર સવાર નારાયણભાઇ માંડણભાઇ સુવાણ અને તેની પુત્રી રસીલાબેનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મૃતક નારાયણભાઇના પત્ની સવીતાબેનને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજીતરફ કાર વિજપોલ સાથે અથડાઈ ખાડામાં ઉતરી ગઈ હતી. જો કે સદનસીબે વીજપોલ ધરાશાયી ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બાવળા-બોડિયા હાઇવે પર પણ ટ્રીપલ કાર અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં બે લોકોના મોત અને 10 જેટલા ઘાયલો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે પાટણ નજીક અન્ય એક ઘટનામાં કાર નર્મદાની મુખ્ય કેનાલમાં ખાબકી છે જેમાં દસ લોકોના મોતની શક્યતા છે. ફાયરબ્રિગેડ દ્વારા કેનાલમાં કારની શોધખોળ શરુ કરાઇ છે.