મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : કૃષિ સુધારા બિલનાં કાયદાનાં વિરોધમાં દિલ્હીમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેના સમર્થનમાં આજે કોંગ્રેસ દ્વારા કૃષિ બિલ સુધારાના પરિપત્રની હોળી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ બિલ અંગે આગામી દિવસોમાં થનાર વિરોધ કાર્યક્રમોની જાહેરાત પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

રાજકોટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂર્વ મંત્રી નરેશભાઈ રાવલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કિસાનો દ્વારા ચાલતા આંદોલનમાં સરકારે ન્યાયિક નિર્ણયો લેવા જોઈએ. હાલ ભાજપ દ્વારા ગામડે-ગામડે પત્રકાર પરિષદ અને ખેડૂત સંમેલન કરવામાં આવી રહ્યા છે. ત્યારે સરકારે આવા ગતકડા બંધ કરી અને જે દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પાસે જઈ વાર્તાલાપ કરવો જોઈએ અને આ આંદોલન સમેટાય તેવા પગલાં લેવા જોઈએ.

વધુમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ ખેડૂત આંદોલનની સાથે છે. અને સંસદમાં શરૂ થનાર શિયાળુ સત્રમાં ચર્ચા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. વડાપ્રધાન એમપી અને ગુરૂદ્વારામાં જાય છે. તો દિલ્હીમાં કિસાનો સાથે સંવાદ કરવો જોઈએ. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતી અને નિર્ણયના કારણે ગુજરાત અને સમગ્ર દેશના ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ભાજપ સરકારે ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા પસાર કરીને અન્નદાતાને મરણતોલ ફટકો માર્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.