મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ ભારત વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાની બે વિકેટો પડ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં ઉતર્યો હતો. દરમિયાન ઇસ્ટ સ્ટેન્ડમાંથી બે યુવકોએ મેદાનમાં દોટ મૂકી હતી. અને પીચ સુધી પહોંચી ગયા હતા. આ બંનેએ વિરાટ કોહલીને પોતે તેના ફેન હોવાનું કહી સેલ્ફી લેવાની વિનંતી કરી હતી. વિરાટ પણ આ બંને ફેનની હિંમત જોઈને ખુશ થયો હોય તેમ બંને યુવકોને હસતા મોઢે સેલ્ફી લેવા દીધી હતી.

ચાલુ મેચે બનેલી આ ઘટનાને પગલે બાઉન્સરો દોડી આવ્યા હતા અને આ બંને યુવાનોને મેદાન બહાર લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે મેચ દરમિયાન બનેલી આ ઘટનાને પગલે ખેલાડીઓની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ આ ઘટનાને પગલે સ્ટેડીયમમાં હાજર રહેલા લોકો પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા.