મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરમાંથી બોગસ આધારકાર્ડ બનવવાના કૌભાંડનું ભુત ફરી ધણધણી ઉઠ્યું છે. જો કે આ વખતે કૌભાંડને લઇને કોંગ્રેસ કાર્યાલય સુધી તાર પહોંચ્યા છે. જેમાં બોગસ આધારકાર્ડ બનાવાના કૌભાંડને લઇને મનપાના કોંગ્રેસ કાર્યાલયના મંત્રી વિરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર વિદેશી નાગરિકોને આધારકાર્ડ બનાવી આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આધારકાર્ડ બનાવવા મુદ્દે અગાઉ પણ 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે મનપાના કોંગ્રેસ કાર્યાલયના મંત્રી વિરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવતા આ કૌભાંડમાં અન્ય કોઇ મોટા માથાની સંડોવણી સામે આવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.

રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ બે શખ્સોના નામ છે પ્રકાશ મારવીયા અને સાગર રાણપરા. આ બંન્ને શખ્સો પર આરોપ છે ભારતીય નાગરિક ન હોવા છતા પણ આધારકાર્ડ કાઢી આપવાનો. રાજકોટના રૈયા રોડ પર આવેલા જનસુવિધા કેન્દ્ર પર 1500 રૂપિયા લઇને આ શખ્સોએ મૂળ નેપાળના રહેવાસીનું આધારકાર્ડ કાઢી આપ્યું હતું. જેની પોલીસને જાણ થતા પોલીસે ત્યાં દરોડો કરીને બંન્ને પકડી પાડ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે આ બંન્ને શખ્સોએ અત્યાર સુધીમાં 30થી 40 આધારકાર્ડ કાઢી આપ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.