મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : કોર્પોરેશનની ચૂંટણીમાં દરેક બુથ પર ચુસ્ત બંદોબસ્તનાં દાવા પોકળ સાબિત થયા છે. અજાણ્યા શખ્સોએ નાનામૌવા નજીકનાં વામ્બે આવાસ યોજના કર્વાર્ટરની પ્રાથમીક શાળા નંબર 95માં ચાલુ મતદાને બે ઈવીએમમાં તોડફોડ કરીને ત્રીજામાં નુકસાનનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે ગત મોડીરાત્રે વિધિવત ફરિયાદ નોંધાઇ છે. તાલુકા પોલીસ મથકમાં પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા ચૈતન્યભાઈ જસવંતભાઈ કળશિયાએ 12 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, રવિવારે વોર્ડ નં.11ના શાળા નં.95માં આવેલા મતદાન મથકના બૂથ નં.2માં પોતે ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન સાંજે ચાર વાગ્યાના અરસામાં 10-12 બુકાનીધારી શખ્સો આવી ચડ્યા હતા. બૂથમાં ઘૂસીને તમે બોગસ મતદાન કરાવો છો તેમ કહી ગાળો ભાંડી હતી. એટલું જ નહીં એક ઇવીએમ તથા બે મતકુટીર તોડી નાખ્યા હતા. અને બે ઇવીએમના વાયર કાઢી નાખી 45 મિનિટ સુધી ધમાલ કરીને મતદાન અટકાવ્યું હતું. ચૈતન્યભાઈની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


 

 

 

 

 

સૂત્રોના જણાવ્યા મુજબ, તોડફોડ કરનાર આ શખ્સો કાલાવડ રોડ પર આવેલી હોસ્ટેલમાં પડ્યા પાથર્યા રહે છે. અને અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાઇ ચુક્યા છે. એટલું જ નહીં જે-તે સમયે પોલીસે પણ આ લોકોને અટકાવ્યા નહોતા. અને ઘટનાનાં ગણતરીના કલાકોમાં ઝડપી લેવાને બદલે ફરિયાદ નોંધવામાં પણ 24 કલાક કરતા વધુ સમય લેવાયો હતો. ત્યારે આ શખ્સો પાછળ કોઈ રાજકીય ઓથ હોવાની ચર્ચા પણ લોકોમાં ચાલી રહી છે. અને કાયદાના રખેવાળ જ લુખ્ખાઓનો હાથો બની રાજકીય આકાઓને ખુશ રાખવાનો પ્રયાસ કરતા હોવાની ચર્ચાઓ ઉઠી છે. ત્યારે હવે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ ક્યારે આ શખ્સોની ધરપકડ કરે છે તે તો આવનારો સમય જ બતાવશે.

ઉલ્લેખનીય છે કે, આ મતદાન મથક પર પોલીસ અને હોમગાર્ડનો જડબેસલાક બંદોબસ્ત હોવા છતાં ઘટના કઈ રીતે બની તે અંગે અનેક સવાલો ઉપસ્થિત થયા છે. જો કે પોલીસ સુત્રોનું કહેવું છે કે અમુક હુમલાખોરો મતદારોનાં સ્વાંગમાં તો અમુક પાછળની દીવાલ ટપીને ઘૂસી ગયા હતા. હુમલાખોરોએ કયા કારણસર કૃત્ય કર્યું તે અંગે કોઈ માહીતી હાલ મળી નથી. જેને લઈને કોંગ્રેસ દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જો કે હુમલાખોરો પકડાયા બાદ જ સાચી માહિતી બહાર આવશે. 

આ બાબતે કલેકટર તંત્રના જવાબદાર અધિકારીઓએ પોલીસને પ્રાથમિક માહિતી આપી દીધી હતી. આ અંગે જાણ થતા તાલુકા પોલીસ સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પરંતુ હુમલાખોરો ભાગી ગયા હોવાથી હાથ લાગ્યા નહોતા. એટલું જ નહીં આ ગંભીર બાબતે 24 કલાકથી વધુ સમય વીતવા છતાં ફરિયાદ નોંધાઇ નહોતી. જો કે આખરે ગત મોડીરાત્રે વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે. અને પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ આદરી છે.