મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઠેર-ઠેર જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રાજકીય પક્ષો મતદારોને રિઝવવા અવનવા નુસખા અપનાવી રહ્યા છે. ત્યારે આજે વોર્ડ નં 8નાં ઉમેદવારોએ સાફા બાંધીને પ્રચાર કર્યો હતો. તો બીજીતરફ યુવતિઓ તો નખમાં વિવિધ પક્ષનાં ચિન્હો અને જુદા-જુદા સ્લોગન લખીને મનગમતા પક્ષનો પ્રચાર કરતી હોવાનું સામે આવ્યું છે.
શહેરના વોર્ડ નંબર 8માં ભાજપનાં ઉમેદવાર ડો. દર્શના પંડ્યા, પ્રીતિબેન દોશી, અશ્વિન પાંભર, તેમજ બિપીન બેરાએ કેસરી કલરનો સાફો પહેર્યો હતો. અને સાથે જ તેઓ આ વોર્ડનાં વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. જ્યાં લોકસંપર્ક કરવાની સાથે ભાજપનાં વિકાસ કાર્યો અંગે જાણકારી આપી હતી. તેમજ વોર્ડનો વિકાસ આગળ વધારવા માટે ભાજપને મત આપવા અપીલ કરી હતી. 'સાફો' પહેરીને નિકળેલા ભાજપનાં ઉમેદવારો જોઈને લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.
બીજીતરફ યુવતિઓ નખ પર પંજો અને કમળ સહિત ઝાડુના સિમ્બોલ પેઇન્ટ કરાવી રહી છે. એટલું જ નહીં પોતે જે પક્ષ સાથે જોડાયેલી હોય તેનો પ્રચાર કરવા નખમાં તેને અનુરૂપ ચિન્હો દોરાવે છે. ઉપરાંત નખમાં નાના અક્ષરે ભાજપ માટે 'ભાજપ અડિખમ' અને 'કમળનું આર્ટ' તો કોંગ્રેસ માટે 'એક મોકો કોંગ્રેસને' અને પંજાનું આર્ટ તેમજ આમ આદમી પાર્ટી માટે ઝાડુનો સિમ્બોલ મૂકીને તેના ફોટાઓ સોશિયલ મિડિયામાં શેર કરી ઉમેદવારોનો પ્રચાર કરી રહી છે.