મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: મહાનગરપાલિકા બાદ તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયત ઉપરાંત 11 તાલુકા પંચાયત અને નગરપાલિકાની પણ તમામ 44 બેઠકો પર ભાજપે કબ્જો જમાવ્યો છે. જો કે મોદીની સુનામી છતાં પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જનાર અને મંત્રીપદે બિરાજમાન કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ખૂબ પ્રચાર કરવા છતાં પણ પોતાનો ગઢ બચાવવામાં નિષ્ફળ રહ્યા છે. અને વીંછીયામાં કોંગ્રેસને 14 અને ભાજપને માત્ર 4 બેઠકો તો જસદણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 10 અને ભાજપને માત્ર 6 બેઠક મળતા લોકોમાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે.


 

 

 

 

 

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપને 26 અને કોંગ્રેસને 10 બેઠક મળતા કોંગ્રેસે સત્તા ગુમાવી છે. તો રાજકોટની 11 તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ઉપરાંત ગોંડલ નગરપાલિકામાં પણ 5 બિનહરિફ સહિત તમામ 44 બેઠકોમાં ભાજપે ભવ્ય જીત હાંસિલ કરી છે. અને રાજકોટનાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પત્નીની કારમી હાર થઇ છે. એટલું જ નહીં બીજી તરફ બેડલા બેઠક પર ભાજપનાં મહિલા ઉમેદવાર સવિતાબેન માત્ર 8 મતે વિજેતા બન્યા છે.

શહેર ભાજપ અને જિલ્લા ભાજપ દ્વારા આ જીતની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી હતી. જેમાં પણ સ્થાનિક ભાજપનાં નેતાઓ અને કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં સામેલ થયા હતા. તેમજ ફટાકડા ફોડવાની સાથે એકબીજાને મીઠાઈઓ ખવરાવી જીતનો જશ્ન મનાવ્યો હતો. જો કે આ વિજયોત્સવમાં પણ ફરીથી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતનાં કોરોનાનાં બધા નિયમોના ધજાગરા ઉડયા હતા. અને પોલીસે તમાશો નિહાળ્યો હતો.