મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરની ભાગોળે આવેલ બામણબોર ચોકડી નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં બંસલ પેટ્રોલ પંપ નજીક બંધ ડમ્પર પાછળ આઈશર ઘૂસી જતા એક MR સહિત બે યુવકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે 4 લોકોને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઇજાગ્રસ્તોમાં MR યુવકના માતા, બહેન, પિત્રાઇ બહેન અને આઇસરનો ડ્રાઇવર સામેલ છે. યુવાન પરિવાર સાથે રહેવા આવતો હોવાથી અમદાવાદથી સામાન ભરીને વતન જુજારપુરમાં નવા બનાવાયેલા મકાનમાં જઈ રહ્યા હતા ત્યારે જ દુર્ઘટના બની હતી. 

જાણવા મળ્યા મુજબ અમદાવાદ નરોડામાં રહેતાં કાનજીભાઇ રૂડાભાઇ સેવરાએ લોકડાઉનમાં નોકરી ગુમાવતાં તેઓ છ મહિના પહેલા અમદાવાદથી મુળ વતન ચોરવાડના જુજારપુર આવી ગયા હતાં. તેમજ વારસામાં મળેલી જમીન પર નવું મકાન બનાવવાનું શરૂ કર્યુ હતું. તેમના પત્નિ, પુત્ર, પુત્રી અમદાવાદમાં રોકાયા હતાં. જેમાં 22 વર્ષીય પુત્ર વિશાલ MR તરીકે નોકરી કરતો હતો. જેને લઈને માતા લીલીબેન સેવરા ત્યાં જ રહેતા હતા. 


 

 

 

 

 

થોડા દિવસો અગાઉ સંક્રાંતિનો તહેવાર હોઈ Mcom માં અભ્યાસ કરતી 20 વર્ષીય બહેન દિક્ષીતા તેમજ વિશાલના કાકાની 16 વર્ષીય દિકરી સાવની ભુપતભાઇ સેવરા અમદાવાદ ગયા હતાં. વતન જુજારપુરમાં મકાન બનીને તૈયાર થઇ ગયું હોઇ વિશાલ તેના માતા, બહેન અને પિતરાઇ બહેન ગઇકાલે રાતે આઇશરમાં સામાન ભરાવી અમદાવાદથી રવાના થયા હતાં. આ આઇશર માળીયા હાટીનાના ભંડુરીના સામતભાઇ કરસનભાઇ ગરચર ચલાવતાં હતાં. 

અમદાવાદથી સામાન ચડાવવા ઉતારવા માટે રાખેલો મજૂર પણ આઇશરમાં બેઠો હતો. જેમાં લીલીબેન પોતે પુત્રી, ભત્રીજી સાથે પાછળ બેઠા હતાં. જ્યારે કેબીનમાં ડ્રાઇવર, મજૂર અને વિશાલ બેઠા હતાં. બામણબોર પાસે રાતે ત્રણેક વાગ્યે એક ડમ્પર બંધ ઉભુ હોઇ તે ડ્રાઇવરને ન દેખાતાં તેની પાછળ આઇશર ધડાકાભેર અથડાયુ હતું. જેમાં આગળના ભાગનો ભુક્કો બોલી જતા અંદર બેઠેલા ચાલક સહિતના ફસાઇ ગયા હતાં.

ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો દોડી ગયા હતા અને પોલીસ તેમજ 108ને જાણ કરવામાં આવી હતી. જેને પગલે કુવાડવા પોલીસની ટીમ તથા 108ની ટીમ દોડી ગઈ હતી. અને ફસાયેલા ચાલક, મજૂરને બહાર કાઢ્યા હતાં. જ્યારે વિશાલનું કેબીનમાં જ ફસાઇ જતાં મોત થયું હતું. આ અકસ્માતમાં ચાલક સામતભાઇ, મજૂર યુવાન, વિશાલના માતા લીલીબેન, બહેન દિક્ષીતા તેમજ સાવનીને ઇજાઓ થતા સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં મજૂર યુવાને પણ સારવાર દરમિયાન દમ તોડી દેતા મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિશાલ માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ પુત્ર હતો.