મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ ડોક્ટર ને ભગવાન અમસ્તા નથી કહેવાતા... આજે જ્યાં એક બાજુ મેડિકલ માફિયાઓને કારણે તબીબી ક્ષેત્ર એક લૂંટવાનો ધંધો બનતું જાય છે ત્યાં આવા સમયમાં ઘણા એવા અઢળક તબીબો અને નર્સિંગ સ્ટાફ છે જેઓના અંદરનો માણસ હજુ જીવતો છે. આવી જ એક ઉદાહરણ રૂપ ઘટના આજે રાજકોટના રસ્તા પર બની છે. જ્યાં એક વ્યક્તિને રસ્તામાં એટેક આવતા એક પુરુષ તબીબ દ્વારા સીપીઆર અને બીજા મહિલા તબીબ દ્વારા માઉથ ટૂ માઉથ બ્રિથિંગ અપાતા તે વ્યક્તિને પ્રાથમિક સારવાર મળી ગઈ હતી. આ ઘટના ત્યાં હાજર એક વ્યક્તિએ કેમેરામાં કંડારી લીધી હતી. જે વીડિયો પણ અહીં રજુ કરાયો છે. જોકે આ વ્યક્તિને જ્યારે હોસ્પિટલ લઈ જવાયો ત્યાં તેનું ટુંકી સારવાર માં મોત નિપજ્યું હતું. જેને કારણે ઘણા લોકોમાં દુઃખની લાગણી ફેલાઈ હતી.

ઘણા લોકો સેવામાં દરેક ઘટનાને નાત-જાત અને ધર્મના તાંતણે તોલી જ નાખતા હોય છે પણ આ બધા કરતાં મોટો છે માનવધર્મ જેણે હંમેશા સુવાસ જ ફેલાવી છે. આજે સવારે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. અજીતસિંહજી વાઢેર રાજકોટ ખાતે રેસકોર્સ રીંગ રોડ પર વોકિંગ કરતાં હતાં એ વેળાએ ગુલામ હુસેન નામના મુસ્લિમ યુવકને હ્રદય રોગનો હુમલો આવતાં તરત જ સમય પારખી ડો. અજીતસિંહજીએ પંપીંગ ચાલુ કરી દીધું. એ જ વેળાએ ત્યાંથી પસાર થતાં અજાણ્યા લેડી ડોકટર (હાલ તેમનું નામ જાણી શકાયું નથી) પણ માઉથ ટુ માઉથ બ્રિથિંગ આપતા થાય છે. બંને તે વ્યક્તિ જીવે એ માટે પ્રયાસોમાં લાગી ગયા હતા. એટલું જ નહીં આ બંને તબીબો ઉપરાંત પણ અન્ય લોકોએ પોતાની માણસાઈનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું. તેઓ તુરંત ત્યાં વ્યક્તિને પવન નાખવા લાગ્યા, એમ્બ્યૂલન્સ મંગાવી અને પોતાનાથી શક્ય થાય તે રીતે તેની મદદ કરવા લાગ્યા હતા. જે આપ વીડિયોમાં જોઈ શકશો.

વિચારો કોરોનાની ભયંકર મહામારી વચ્ચે પણ પોતાના જીવની પરવા કર્યા વિના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર બીજાને જીવનદાન આપવા માટે માઉથ ટુ માઉથ બ્રિથિંગ અને આટલી નજીકથી સારવાર આપવીએ ઇશ્વર કાર્યથી જરા પણ ઓછું ન કહેવાય.

આ બંનેના કાર્યને લોકો હાલ હ્રદયથી બિરદાવી રહ્યા છે અને આપ જેવા સમાજ રત્ન માટે ગર્વ અનુભવે છે. તેવા શબ્દો સાથે આ વીડિયોને શેર કરી રહ્યા છે. મેરાન્યૂઝ પણ તેમની આ માનવહીતની કામગીરીને આવકારે છે સાથે જ આટલી મહામહેનત પછી યુવકનું મૃત્યુ થયું તે અત્યંત દુઃખદ છે.