મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ શહેરની પીડીયુ મેડિકલ કોલેજનાં ફોરેન્સિક વિભાગને કોરોનાનાં મૃતદેહોની ઓટોપ્સી કરવાની મંજૂરી મળી છે અને આજ સુધીમાં 6 ઓટોપ્સી પણ કરવામાં આવી ચુકી છે. જોકે કોરોના જેવા ભયાનક રોગ વિશે સંશોધન માટે 6 પરીક્ષણ તો ઘણા ઓછા છે. પરંતુ આ પરીક્ષણો બાદ એક મહત્વનું તારણ સામે આવ્યું છે કે, કોરોનાથી ફેંફસા પથ્થર જેવા બની જાય છે. સામાન્ય રીતે ટીબીમાં ફેફસાંનો ઉપરનો ભાગ, ન્યુમોનિયામાં ફેફસાંનો નીચેનો ભાગ કડક થતો હોય છે, પરંતુ કોરોનામાં આખાં ફેફસાં પથ્થર જેવા થઈ જતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ અંગે જણાવતા ફોરેન્સિક મેડીસીન વિભાગના વડા ડો. હેતલ ક્યાડાએ કહ્યું હતું કે, હજુ રિસર્ચ શરૂ કરવા માટે પર્યાપ્ત પરીક્ષણ થયા નથી, પણ એક એવું તારણ નીકળ્યું છે કે, કોરોનાને કારણે ફેફસામાં ફાઈબ્રોસિસ ખૂબ વધી જાય છે. આ કારણે જ જ્યારે બોડીમાંથી ફેફસા કાઢ્યા ત્યારે જાણે પથ્થર ઉપાડ્યો હોય તેવું લાગતું હતું. જો કે આ માત્ર ઓટોપ્સી દરમિયાન જોવા મળેલુ પ્રાથમિક તારણ છે. જેની વધુ વિગતો રિસર્ચ કર્યા બાદ જ જાણી શકાશે.
 
 
 
 
ફાઈબ્રોસિસ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, ફેફસા ખુબ જ સ્થિતિ સ્થાપક અને નરમ હોય છે. આ કારણે ફેફસા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડની લેવડ દેવડ કરી શકે છે. કોરોનામાં એક પ્રવાહી જામી જવાથી ફેફસાંની નળીઓમાં ગઠ્ઠા થાય છે. જેને કારણે ફેફસાં સ્થિતિ-સ્થાપકતા ગુમાવી કઠણ બનવાને ફાઈબ્રોસિસ કહે છે. જેમાં ઘણીવાર ફેફસાંનો રંગ બદલાય છે અને ક્યારેક કાણા પણ પડી જાય છે.
જો કે ફાઈબ્રોસિસ થવાના ઘણા કારણો અને પ્રકારો છે અને બધામાં ફેંફસા કડક થવાનો હિસ્સો અને સખ્તાઈ એટલે કે ડેન્સિટી પણ અલગ અલગ હોય છે. ફેફસામાં ડાબી બાજુ 2 અને જમણી બાજુ 3 મળીને કુલ પાંચ ખંડ હોય છે. સામાન્ય રીતે ફાઈબ્રોસિસ ડાબી બાજુ વધુ હોય છે. ટીબીનાં દર્દીઓને ફેફસાની ઉપરનાં ભાગે ફાઈબ્રોસીસ થાય છે. જ્યારે ન્યુમોનિયામાં ફેફસાનાં નીચેના ભાગમાં ફાઈબ્રોસિસ હોય છે પણ કોરોનાના દર્દીઓમાં પાચેય ખંડમાં ફાઈબ્રોસિસ જોવા મળ્યું છે. જે ખરેખર ચિંતાજનક કહી શકાય.