મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: આવતીકાલે જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન કરવામાં આવનાર છે. જેને લઈને જિલ્લા પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં કુલ 3 હજારથી વધુ જવાનોને પણ બંદોબસ્તમાં મુકાયા હોવાનું અને સંવેદનશીલ મતદાન મથકો ઉપર 24 કલાક બંદોબસ્તની સાથે જ વિડીયો રેકોર્ડિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું છે.

જિલ્લા પોલીસ વડા બલરામ મીણાનાં જણાવ્યા મુજબ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીને પગલે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં ત્રણેક હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત અત્યાર સુધીમાં 90 ટકાથી વધુ પરવાના વાળા હથિયારો કબ્જે લેવામાં આવ્યાછે. અને 5574 લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યાછે. ગ્રામ્ય વિસ્તારમાં 14 સ્થળે ચેકપોસ્ટ શરૂ કરાઇ છે અને ત્યાં 18831 વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 680 બિલ્ડિંગના 1079 કેન્દ્રો છે. આ ચુંટણીમાં 1082 પોલીસ જવાન, એસઆરપીની બે કંપની અને એક પ્લાટુન, એક કંપની સીઆઇએસએફની અને 1625 હોમગાર્ડ જીઆરડી સહિત 3 હજાર જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ  સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્ર અને બુથની યાદી તૈયાર કરવામાં આવી છે. જ્યાં 24 કલાક પેટ્રોલિંગ તેમજ મતદાનની પ્રક્રિયાનું વિડીયો શૂટિંગ કરવાની ગોઠવણ પણ કરાઈ હોવાનું તેમણે જણાવ્યું છે.