મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. દરમિયાન જિલ્લા પંચાયત દડવી બેઠકના મહિલા કોંગી ઉમેદવાર સોનલ બગડાએ ફોર્મ પરત ખેંચવા ધમકી આપીને રૂપિયા 10 લાખની ઓફર કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, 14 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રીના ભાજપના 3 માણસોએ તેમના ઘરે આવી રૂપિયા 10 લાખની ઓફર કરી ફોર્મ પરત ખેંચવા કહ્યું હતું.

આ ઉપરાંત ફોર્મ પરત ખેંચવા ઇનકાર કરતા જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવી હતી. જેને લઈ પોતે વહેલી સવારે 4 વાગ્યે જામકંડોરણા પોલીસમાં પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેઓની ફરિયાદ લીધી ન હતી. જેના કારણે મહિલા ઉમેદવાર જિલ્લા કલેકટર પાસે અનશન માટેની મંજૂરી આપવા માંગ કરી છે. આ મહિલા ઉમેદવારે કરેલી અનશનની માંગથી રાજકારણ ગરમાયું છે.