મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરના પુનિતનગર વિસ્તારના પાણીના ટાંકામાં દૂષિત પાણી હોવાની ફરિયાદો લોકોમાં ઉઠી હતી. જેને લઈને કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે લોકોને સાથે રાખીને પંપિંગ સ્ટેશન પર જનતા રેડ કરી હતી. જેમાં ચેક કરતા પાણી ફીણવાળું અને લીલું હોવાનું તેમજ છેલ્લા ઘણા સમયથી સફાઈ પણ ન થઈ હોવાનું જણાયું હતું. જો કે જનતા રેડના પગલે વોટર વર્કર્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. અને મિડિયાની હાજરીમાં પાણી પીને તેમાં કોઈપણ વાંધો ન હોવાનું જણાવ્યું હતું.

તંત્ર અને શાસકો ખોટી વાતો કરવા સિવાય કોઈ કામ કરતા નથી: કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે

જનતા રેડ દરમિયાન ટાંકામાં ફીણનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. અને વોર્ડ 13માં આવેલા પાણીના સંપ ઉપર જાગૃતિબેન ડાંગરે જાતે ચેક કરતા પાણી એકદમ ફીણ વાળું અને લીલું હતું આ અંગે કોર્પોરેટર જાગૃતિબેને કહ્યું કે તંત્ર અને શાસકો દ્વારા ખોટી વાતો કરવા સિવાય અને એસી ઓફીસમાં બેસીને કાગળ ઉપર કામગીરી બતાવતા હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા દોઢ-બે વર્ષથી આ સંપની સફાઈ પણ ન થઈ હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. આ રિયાલિટી ચેકમાં વોર્ડ નં.12 ના કોર્પોરેટર સંજય અજુડિયા, કનકસિંહ અને કમલેશભાઈ જોડાયા હતા.

જાણો શું કહ્યું વોટર વર્કસ શાખાના અધિકારીઓએ

બીજીતરફ વોટર વર્કસ શાખાના અધિકારીઓએ પણ આ મામલે સ્પષ્ટતા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પાણી સંપૂર્ણપણે પીવાલાયક અને શુદ્ધ છે. તેમાં કોઈ પ્રૉબ્લેમ નથી. અધિકારીઓએ મીડિયા અને ઉપસ્થિત લોકોની હાજરીમાં આ સંપનું પાણી પીને પણ બતાવ્યું હતું અને કહ્યું હતું કે આ પાણી શુદ્ધ અને પીવાલાયક છે.  હાલ ઉનાળામાં રોગચાળો ન પ્રસરે એ માટે એક નહીં બે વખત સંપ ક્લોરીનેશન કરવામાં આવતું હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. 

કોર્પોરેશન શુદ્ધ અને પીવા લાયક પાણીનું જ વિતરણ કરે છે: મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની 

આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અને જણાવ્યું હતું કે, કોર્પોરેશનના અધિકારીઓ લોકોના સ્વાસ્થ્ય માટે સંપૂર્ણપણે સજાગ છે. અને એટલે જ ઉનાળામાં સુપર ક્લોરીનેશન કર્યા બાદ જ પાણીનું વિતરણ કરવામાં આવે છે. પાણી ખૂબ લાંબા અંતરેથી પાણી સંપમાં આવતું હોવાથી થોડા ફીણ વળવા સ્વાભાવિક છે. તેમજ તેના સેમ્પલની લેબમાં ચકાસણી થઈ હોવાનો દાવો કરતા તેમણે પાણી સંપૂર્ણ પીવાલાયક અને શુદ્ધ હોવાનું કહ્યું હતું.