મેરાન્યૂઝ નેટવર્ક.ગઢડા: માંડવા અને ઢસા ગામ વચ્ચે કાર અને આઇશર વચ્ચે વધુ એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં આઈશરની સાથે ટક્કર થતા કારનો બુકડો બોલી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં રાજકોટના ડેપ્યુટી કલેક્ટરના પત્ની, પુત્રી અને સાળાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટના ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલના પત્ની ચેતનાબેન, પુત્રી ગરીમા અને સાળા ધનંજ્યસિંહ ચુડાસમા કાર લઇ ભાવનગર તરફ જતા હતા. દરમિયાન ગઢડાના માંડવા અને ઢસા ગામ વચ્ચે આવેલા બ્રીજ પર કારની આઈશર સાથે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અને ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગઢડા હોસ્પિટલે ખસેડયા હતા. જ્યાં પરિવારજનોએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું છે.