મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : રંગીલા ગણાતા રાજકોટમાં માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધરમ નગર વિસ્તારમાં આવેલા ક્વાર્ટર પાસેથી પાંચ માસનું મૃત બાળક લાવારિસ હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. તો સાથે જ પોલીસ અને 108ની ટીમોએ દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. કોરોના કાળ વચ્ચે મૃત બાળક લાવારિસ મળતા લોકો આ બાળકના માતા-પિતા ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. 

જાણવા મળતી વિગત મુજબ આજે બપોરના સમયે ધરમનગર ક્વાર્ટર પાસે એક નાનું બાળક મૃત હાલતમાં જોવા મળ્યું હતું. જેને પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. અને આ અંગે પોલીસ તેમજ 108ને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ તેમજ 108નો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને મૃત બાળકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે તેના વાલી-વારસને શોધી કાઢવા માટે પૂછપરછ હાથ ધરી છે.