મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સાચી લગન અને મહેનત જરૂરી છે. તે બાબતને અગાઉ અનેક સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓમાં સાબિત કરી ચુક્યા છે. ત્યારે શહેરમાં સાવરણી વેચી ગુજરાન ચલાવતા પરિવારની દીકરીએ વધુ એકવાર આ વાતને સાચી ઠેરવી છે. ધોરણ-12ના આજે જાહેર થયેલા પરિણામમાં સામાન્ય પરિવારની સલોની ગણાત્રા 99.98 PR મેળવી ઝળકી ઉઠી છે. આગળ જતાં સલોની IAS બનવા ઇચ્છતી હોવાનું તેણીએ જણાવ્યું હતું.

આજરોજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સાવરણી વેચી ઘરનું ગુજરાન ચલાવતા પરિવારની દીકરીએ માતા-પિતાનું નામ રોશન કર્યું છે. IAS બનવા ઇચ્છતી સલોની ગણાત્રાએ બોર્ડમાં 99.98 PR પ્રાપ્ત કર્યા છે. પોતે પરિવારના સપોર્ટથી એક બાદ એક સફળતાના શિખર હાસિલ કરી રહી હોવાનું તેણીએ જણાવ્યું હતું. તેમજ સફળતા મેળવવા માટે માત્ર સાચી દિશામાં મહેનત કરવી જરૂરી હોવાનું પણ તેણીએ કહ્યું હતું.        

ધોરણ 12ના જીએચએસઈબી (ઉચ્ચતર માધ્યમિક બોર્ડ)ના સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે. આજે સવારે 8 વાગે જાહેર થયેલા પરિણામમાં ડાંગ જિલ્લા 77.32 ટકા પરિણામ આવ્યું છે જે રાજ્યભરમાં સૌથી વધુ છે. જ્યારે સૌથી નીચુ પરિમામ છોટા ઉદેપુર જિલ્લાનું આવ્યું છે. ગુજરાતનું કુલ પરિણામ 55.55 ટકા રહ્યું છે. માર્ચ 2018માં 505 કેન્દ્રો અને પેટાકેન્દ્રો પર લેવાયેલી આ પરીક્ષામાં કુલ 467100 (પૃથ્થક મળી 474507) પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જે પૈકી 255414 (પૃથ્થક મળી 260263) પરીક્ષાર્થીઓ પાસ થયા હતા.