મેરાન્યૂઝ નેટવર્ક,રાજકોટ: રાજકોટ ઠાકોર સાહેબ પ્રદ્યુમ્નસિંહજી લાખાજીરાજ જાડેજાના પુત્ર સ્વ.પ્રહલાદસિંહજીના પુત્રી મેધાવીબાએ મહિલા પોલીસમથકમાં નોંધાવતા ચકચાર મચી છે. ફરિયાદમાં અમદાવાદના જજીસ બંગ્લોઝ પાછળની ક્રિષ્ના સોસાયટીમાં રહેતા પતિ મેઘરાજસિંહ મનહરસિંહ ચુડાસમા, મનહરસિંહ મુળરાજસિંહ ચુડાસમા, સાસુ વિનાદેવી, દિયર અભયરાજસિંહના નામ આપ્યા હતા. છેલ્લા બે વર્ષથી યુનિવર્સિટી રોડ, નીલસિટી એસ્ટ્રલ પાર્ટ-એમાં માવતરે રહેતા મેધાવીબાએ નોંધાવેલી ફરિયાદમાં તેમના લગ્ન 2008માં મેઘરાજસિંહ સાથે થયા હતા.

પોલીસે યુનિવર્સિટી રોડ પર રહેતાં મેઘાવીબા મેઘરાજસિંહ ચુડાસમા (ઉં-37)ની ફરિયાદ પરથી અમદાવાદમાં રહેતા તેમના પતિ મેઘરાજસિંહ મનહરસિંહ ચુડસમા (ઉં-42), સસરા મનહરસિંહ મુળરાજસિંહ ચુડાસમા, સાસુ વિનાદેવી મનહરસિંહ ચુડાસમા અને દિયર અભરાજસિંહ મનહરસિંહ ચુડાસમા સામે આઇપીસી 498 (ક), 323, 504, 506 (2), 114 અને દહેજધારાની કલમ-3, 4 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજ પરિવારના હોવાથી લગ્ન સમયે લાખોનો કરિયાવર અપાયો હતો.

ફરિયાદમાં તેમનું કહેવું છે કે, લગ્ન પૂર્વે જ વધુ અભ્યાસ કરવા દેવાની વાત થઇ હતી. તેમ છતાં વધુ અભ્યાસ કરવા દેવામાં આવ્યો ન હતો. અમે સારા ચિત્રકાર હોય સ્કૂલમાં આર્ટ ટીચર તરીકે નોકરી કરવી પડી હતી. તેમ છતાં સાસરિયાઓનો ત્રાસ વધતાં અંતે નોકરી પણ મૂકવી પડી હતી. અમારા બનાવેલા કિંમતી પેઇન્ટિંગ્સ હાલ તેમના કબજામાં છે.

મેધાવીબાએ એવું પણ જણાવ્યું હતું કે, બે વર્ષ પૂર્વે પતિ સાસરિયાઓએ ત્રાસ આપી કાઢી મૂકતા તેઓ રાજકોટ પિયર આવી ગયા હતા. પિયર આવ્યા બાદ પરિવારજનોએ સમાધાન માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. ફેમિલી કોર્ટ, મિડીએશન સેન્ટર સુધી પણ પહોંચ્યા હતા. તેમ છતાં સાસરિયાઓએ સમાધાન કર્યું ન હતું. જ્યારે કરિયાવર પરત માગતાં તે આપવાની ના પાડતા અંતે ફરિયાદ કરવાની ફરજ પડી છે.

મેઘાવીબાનું કહેવું છે કે, લગ્ન જીવન દરમિયાન એક પુત્રી આહનાબાનો જન્મ થયો જે 11 વર્ષના છે. લગ્નના દસ જ દિવસ બાદ અમને ખબર પડી હતી કે પતિ ચેઇન સ્મોકર છે અને ખુબ જ દારૂ પીવાની ટેવ ધરાવે છે પણ લગ્નના થોડા જ દિવસ થયા હોઇ અમે શાંતિથી તેમને સમજવાની શરૂઆત કરી હતી. છતાં તે અમારી વાત સાંભળતા નહીં. દારૂ છોડવાને બદલે દિવસેને દિવસે વ્યસન વધતુ ગયું હતું. આ કારણે તેનો સ્વભાવ ઉગ્ર અને તામશી થઇ ગયો હતો. નાની-નાની વાતે ગુસ્સે થઇ મારામારી ગાળાગાળી કરવા લાગતાં હતાં. 60-70 હજારનો પગાર તેઓ દારૂ અને સિગારેટમાં વાપરી નાંખતા હતાં. મને એક રૂપિયો પણ આપતા નહીં. આવુ બે મહિના સુધી ચાલ્યું હતું.

જે બાદ અમે સસરા મનહરસિંહને વાત કરી હતી. તો તેમણે મારા પતિને સમજાવવાને બદલે અમને ઠપકો આપી તમારો ખર્ચ તમારે જાતે કમાઈ લેવો જોઇએ, પૈસા અમારી પાસે માંગવાના નહીં તેમ કહ્યું હતું. આ જ રીતે સાસુએ પણ તેના દિકરાનું ઉપરાણું લીધું હતું. જ્યારે દિયર વાત વાતમાં ખૂનની ધમકી આપી તુકારા દઇ બદનામ કરી નાંખવાની ધમકી આપતાં હતાં. અનહદ ત્રાસને કારણે અમારે બે વર્ષથી રાજકોટ માવતરના ઘરે રહેવા ફરજ પડી છે. અમને કોઇપણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પુરી પાડ્યા વગર કાઢી મુકાયા છે. સાસરિયાઓ કહે છે કે છુટાછેડામાં સહી કરી જાવ તો જ કરિયાવર પાછો આપવો છે. સમાધાનના પ્રયાસમાં સમય પસાર થતાં ફરિયાદ મોડી કરી છે. ઉલ્લેખનીય છે કે તેમની ફરિયાદ આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે ગમે ત્યારે તેમના સાસરિયાઓની ધરપકડ થાય તેવી સંપુર્ણ શક્યતાઓ છે.