મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ કોટણાસાંગાણીના માણેકવાડા ગામના યુવકની મંગળવારે રાત્રે હત્યા કરી દેવાઈ હતી જે મામલો હાલ ગરમાયો છે. આ ઘટનાના રિએક્શનને પગલે દલિત સમાજના કેટલાક લોકો રસ્તા પર ઉતરી ગયા છે અને શહેરના સરકારી હોસ્પિટલ સામે આવેલા બાબા સાહેબની પ્રતિમાની પાસે ચક્કાજામ કરી દેવાયો છે. મૃતક યુવક સહિત તેના પરિવારને ન્યાય અપાયે તેવી માગ સાથે સમાજ રસ્તા પર ઉતર્યો છે. દલિત અગ્રણીઓ દ્વારા આવેદન આપીને પોતાની માગણી સરકાર સામે મુકવામાં આવી છે. સાથે જ લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતાં 24 કલાકમાં જ માગણી પૂરી કરાય ન થઈ તો રાજ્યમાં આંદોલન કરવાની ચેતાવણી પણ અપાઈ છે.

શું હતો બનાવ

ગત રાત્રે કોટણાસાંગાણીના માણેકવાડા ગામમાં યુવક રાજેશ નાનજી સોંદરવા પર ધારદાર હથિયારો દ્વારા હુમલો કરી નિર્મમ હત્યા કરાઈ હતી. એક વર્ષ પહેલા આ જ રીતે મૃતક યુવકના પિતા નાનજીભાઈની પણ હત્યા કરી દેવાઈ હતી. તે વખતે પણ દલિત સમાજ દ્વારા નાનજીભાઈના હત્યારાઓને સજા અપાવા સાથે સાથે પરિજનોને નોકરી અને જમીન આપવાની માગ કરી હતી. જોકે એ વાત અલગ છે કે, હજુ સુધી માગણીઓ પુરી નથી થઈ.

ચક્કાજામ કરી દેવાયો

નાનજીભઈના દિકરા રાજેશની હત્યા થવા પર દલિત સમાજમાં રોષ એકવાર ફરી ભભૂક્યો છે. સમાજ દ્વારા મૃતકની લાશનો સ્વીકાર કરવાનો ઈન્કાર કરી દેવા સાથે સાથે બાબાસાહેબની પ્રતિમા પાસે જ ચક્કાજામ કરી દેવાયો હતો. જોકે ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા દ્વારા મામલાને લઈને કલેક્ટરને આવેદન સુપરત કરાયું હતું. સાથે જ સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને માગ નહીં પુરી થવા પર પુરા રાજ્યમાં આંદોલન કરવાની ચેતવણી અપાઈ છે.

દલિત સમાજની માગણીઓ

  1. મૃતક રાજેશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરી તેની વીડિયોગ્રાફી કરવામાં આવે
  2. મૃતકના શરીર પર થયેલા ઘાની ફોટોગ્રાફી કરી તે ફોટોને તપાસમાં શામેલ કરવામાં આવે.
  3. પરિવાર અને ગામના દલિત સમાજને આત્મરક્ષાના માટે હથિયારોના લાયસન્સ આપવામાં આવે.
  4. એસસી, એસટી સેલ ડિવાયએસપી શ્રુતિ મહેતાની ઢીલી અને આરોપી તરફી નીતિઓને કારણે તેમને સસ્પેન્ડ કરવામાંઆવે.
  5. પીડિત પરિવાર માણેકવાડામાં અસુરક્ષિત હોવાના કારણે તેમને રાજકોટમાં જમીન-મકાન સહિત 50 લાખ રૂપિયાની સરકારી મદદ આપવામાં આવે.
  6. મૃતક રાજેશની માતા અને નાનજીભાઈની પત્નીને સરકારી નોકરી આપવામાં આવે અને તેમના બીજા દિકરાના ભણતર માટેનો ખર્ચ પણ સરકાર દ્વારા આપવામાં આવે.