મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : દિવાળીનાં તહેવારો બાદ વધેલા કોરોનાનાં સંક્રમણને પગલે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ,વડોદરા અને સુરતમાં પણ રાત્રી કરફ્યુ લાદવાનો નિર્ણય કરાયો છે. જેને લઈને શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પોતાના સગા નાના ભાઈની પુત્રીના લગ્નમાં જવાનું પણ ટાળ્યું છે. આગામી 26 નવેમ્બરના રોજ અમેરિકા ખાતે મનોજ અગ્રવાલની ભત્રીજીનાં લગ્ન યોજાનાર છે. પણ હાલ રાત્રી કરફ્યુને કારણે કમિશ્નરે અમેરિકાનો પ્રવાસ કેન્સલ કરી ફરજને પ્રાધાન્ય આપ્યું છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ 26 નવેમ્બરે અમેરિકા ખાતે લગ્ન હોવાથી કમિશ્નર અગ્રવાલ પરિવાર સાથે 21 નવેમ્બરે જ રવાના થવાના હતા. પરંતુ રાત્રી કરફ્યુનો નિર્ણય લેવાતા જ તેમણે આ કાર્યક્રમ કેન્સલ કરી દીધો છે. અને હવે તેઓ સોશિયલ મીડિયા દ્વારા નવદંપતિને આશીર્વાદ આપશે. કમિશ્નરનાં પત્ની સહિત પરિવારે પણ તેમના આ નિર્ણયને સહર્ષ સ્વીકારી લીધો છે. જેને લઈને પોલીસ કર્મચારીઓ સહિત લોકો પણ તેમના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.